પંચમહાલ જિલ્લામાં લુણાવાડા રોડ પરની ઝુલેલાલ સોસાયટીના 21 વર્ષીય યુવકનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવતા કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 8 અને સક્રિય કેસોની સંખ્યા 6 થવા પામી છે. ગઈકાલે ભગવતનગરના 54 વર્ષીય કોરોનાગ્રસ્ત પુરૂષનું વડોદરા કોવિડ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન અવસાન થયું હતું. આ સાથે જિલ્લામાં કોવિડ-19 ના કારણે મૃત્યુઆંક 2 થયો છે. કોરોના પોઝિટીવ યુવકની ગોધરા સિવિલ ખાતે આવેલી કોવિડ-19 હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે અને તેમની તબિયત સ્થિર છે. જિલ્લામાંથી હાલની સ્થિતિએ કુલ 72 સેમ્પલ ચકાસણી અર્થ મોકલવામાં આવ્યા છે. જે પૈકી 7ના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે 44 ના રિપોર્ટ નેગેટીવ રહ્યા છે. કોવિડ-19 હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં કુલ 17 દર્દીઓ હાલમાં ઓબ્ઝર્વેશન હેઠળ છે. જિલ્લાના તમામ પોઝિટીવ કેસ ગોધરા શહેરના હોવાથી પોઝિટીવ કેસો ધરાવતા વિસ્તારની કોરોના પ્રભાવિત કલસ્ટર તરીકે ઓળખ કરી સરકારની માર્ગદર્શિકા પ્રમાણે ક્લસ્ટર કન્ટેઈન કરવામાં આવ્યા છે. આ વિસ્તારો પૈકી રબ્બાની મહોલ્લા વિસ્તારમાં કોરોનાના 2 પોઝિટીવ કેસ મળ્યા છે. આ વિસ્તારના 74 ઘરોમાં 448 વ્યક્તિઓ રહે છે. ક્રિષ્ના એપાર્ટમેન્ટ,ભગવતનગર વિસ્તારમાં 2 કેસો મળ્યા છે. અહીં કલસ્ટર કન્ટેઈનમેન્ટ પ્લાન હેઠળ કુલ 124 ઘરોમાં 401 વ્યક્તિઓને કલસ્ટર કન્ટેઈન કરાયા છે. પ્રભાવિત વિસ્તાર મુસ્લિમ સોસાયટી-બીના 103 ઘરોમાં 409 વ્યક્તિઓનો અને મદની મહોલ્લામાં 103 ઘરોના 451 લોકોનો સમાવેશ થાય છે. જ્યારે નવા પ્રભાવિત વિસ્તાર સિવિલના સ્ટાફ નર્સના રહેણાંક વિસ્તારની આજુબાજુમાં વાવડી બુઝર્ગના 62 ઘરોના 264 વ્યક્તિઓને કલસ્ટર કન્ટેઈન કરવામાં આવ્યા છે.
રાજુ સોલંકી :- પંચમહાલ