પંચમહાલ જિલ્લામાં ગોધરા સિવિલના એક સ્ટાફ નર્સનો કેસ પોઝિટીવ આવતા કોવિડ-19 ના કુલ કેસની સંખ્યા 7 થવા પામી છે. જિલ્લામાં હાલમાં કોવિડ-19 ના સક્રિય કેસોની સંખ્યા 6 છે. એક કોરોનાગ્રસ્ત વ્યક્તિનું સારવાર દરમિયાન વડોદરા ખાતે અવસાન થયું હતું. જિલ્લામાંથી હાલની સ્થિતિએ કુલ 72 સેમ્પલ ચકાસણી અર્થ મોકલવામાં આવ્યા છે, જે પૈકી 7 ના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે, 44 ના રિપોર્ટ નેગેટીવ રહ્યા છે. કોવિડ-19 હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં કુલ 14 દર્દીઓ હાલમાં ઓબ્ઝર્વેશન હેઠળ છે. જિલ્લાના તમામ પોઝિટીવ કેસ ગોધરા શહેરના છે. ગોધરા શહેરના પોઝિટીવ કેસો ધરાવતા ચાર વિસ્તારને કોરોના પ્રભાવિત કલસ્ટર તરીકે ઓળખ કરી સરકારની માર્ગદર્શિકા પ્રમાણે ક્લસ્ટર કન્ટેઈન કરવામાં આવ્યા છે. આ વિસ્તારો પૈકી રબ્બાની મહોલ્લા વિસ્તારમાં કોરોનાના 2 પોઝિટીવ કેસ મળ્યા છે. આ વિસ્તારના 74 ઘરોમાં 448 વ્યક્તિઓ રહે છે. જેમાં 8 વ્યક્તિઓનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરી તમામને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. ભગવતનગર વિસ્તારમાં 2 કેસો મળ્યા છે. અહીં કલસ્ટર કન્ટેઈનમેન્ટ પ્લાન હેઠળ કુલ 124 ઘરોમાં 401 વ્યક્તિઓને કલસ્ટર કન્ટેઈન કરાયા છે. ભગવતનગરની આસપાસના 2 કિમીના બફર વિસ્તારના 5,220 ઘરોના 21,572 વ્યક્તિઓનો મેડિકલ સર્વે 21 ટીમો દ્વારા પૂર્ણ કરી દેવાયો છે. નવા પ્રભાવિત વિસ્તાર મુસ્લિમ સોસાયટી-બીના 103 ઘરોમાં 409 વ્યક્તિઓનો સમાવેશ થાય છે. જ્યારે મુસ્લિમ સોસાયટી-બીના બફર વિસ્તારમાં 1760 ઘરોના 10,180 વ્યક્તિઓની મેડિકલ તપાસ કરવામાં આવી છે. નવા પ્રભાવિત વિસ્તાર મદની મહોલ્લામાં 103 ઘરોના 451 લોકોનો સમાવેશ થાય છે. મદની મહોલ્લાના બફર વિસ્તારમાં પણ આરોગ્ય વિભાગ દ્વારા સઘન આરોગ્ય ચકાસણી કરવામાં આવી રહી છે.
પંચમહાલ જિલ્લામાં કોવિડ-19 નાં કેસોનો આંક 7 થયો, હાલમાં કુલ 6 સક્રિય કેસો.
Advertisement