Proud of Gujarat
FeaturedGujaratHealth

પંચમહાલ જિલ્લાના ભામૈયા ખાતે સુપોષણ ચિંતન સમારોહ યોજાયો.૨૪ આંગણવાડી બહેનોને માતા યશોદા એવોર્ડ એનાયત અને ગણવેશ વિતરણ કરાયું….

Share

પંચમહાલ રાજુ સોલંકી

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના “સહી પોષણ-દેશ રોશન” ના આહ્વાનને ચરિતાર્થ કરવા ગુજરાત સરકારે રાજ્યમાંથી કુપોષણને નાબૂદ કરવા રાજ્યના તમામ જિલ્લાઓમાં સુપોષણ ચિંતન સમારોહ આયોજિત કર્યા છે.આજે પંચમહાલ જિલ્લામાં યોજાઈ રહેલા આ કાર્યક્રમમાં સુપોષણના સંકલ્પને પરિણામલક્ષી બનાવીએ.કૃષિ (રાજ્યકક્ષા), પંચાયત, પર્યાવરણ (સ્વતંત્ર હવાલો) રાજ્યમંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારે ગોધરા તાલુકાના ભામૈયા સ્થિત દાદા ભગવાનના ત્રિમંદિર સંકુલ ખાતે સુપોષણ ચિંતન સમારોહનું ઉદઘાટન કરી અધ્યક્ષ સ્થાનેથી ઉપર મુજબ જણાવ્યું હતું.તેમણે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અનેકવિધ યોજનાઓ પ્રારંભ કરાવી હતી.છેક છેવાડાના વંચિતો સુધી વિકાસના સુફળ પહોંચાડી ગુજરાતની દેશ અને દુનિયામાં નોંધ લેવાઈ છે. આજે વડાપ્રધાન સ્થાનેથી તેમણે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. આયુષ્માન ભારત યોજના અંતર્ગત ગરીબ-મધ્યમવર્ગને ગંભીર પ્રકારના રોગોની મોંઘી સારવારમાં રૂ.૫ લાખ સુધીની સહાય, ખેડૂતો માટે કિસાન સન્માનનિધી યોજના હેઠળ વાર્ષિક રૂા.૬,૦૦૦/- સુધીની સહાય જેવી અનેકવિધ યોજનાઓ તેમણે તમામ વર્ગને ધ્યાનમાં રાખી અમલી બનાવી છે.

Advertisement

મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારે ગુજરાત સરકારે ફેરફાર કરેલા વર્ષ ૨૦૧૯-૨૦ના અંદાજપત્રમાં મહિલાઓ, કિશોરીઓ, બાળકો માટે કરેલી જોગવાઈઓની જાણકારી આપવા સાથે પૂર્ણા યોજના, વહાલી દિકરી યોજના, મા અમૃતમ યોજના, મા વાત્સલ્ય યોજના, ૧૦૮ની સેવા સહિત આંગણવાડી અને તેડાગર બહેનોના માસિક પગાર વધારાની વિગતો આ પ્રસંગે આપી હતી.મંત્રીશ્રીએ માતા યશોદા એવોર્ડ પ્રાપ્ત કરનાર આંગણવાડીની બહેનોને અભિનંદન આપતા ઉમેર્યુ હતું કે પોતાના બાળકોને આંગણવાડીમાં મોકલતા માતા-પિતાના વિશ્વાસને આંચ ન આવે તે રીતે પૂરતી સંવેદનાથી બાળકોના શારીરિક અને માનસિક વિકાસને સુદઢ કરશો તેવી આશા વ્યક્ત કરી હતી.

પ્રસંગોચિત ઉદબોધનમાં ગોધરાના સાંસદ શ્રી રતનસિંહ રાઠોડે ગરીબ અને મધ્યમવર્ગને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારના બજેટની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઈ પટેલની સરકારે વિકાસકાર્યોની વણઝારને અવિરત રાખી છે. તેમણે આંગણવાડીમાં આવતા ભૂલકાઓના સુપોષણ અંગે આંગણવાડીની બહેનોને વિશેષ કાળજી લેવા જણાવ્યું હતું.જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રાજપાલસિંહ જાદવે સરકારના સુપોષણના ઉમદા અભિગમને જિલ્લામાં સફળતમ બનાવવા સૌના સહકારની અપેક્ષાઓ સાથે બાળકોને સુપોષિત અને લાયક બનાવી આવતીકાલના દેશના ભાવિને મજબૂત બનાવવા જણાવ્યું હતું.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે. શાહે જણાવ્યું હતું કે પંચમહાલ જિલ્લામાં આઈસીડીએસ યોજના હેઠળ કુલ ૨,૪૧,૧૮૬ જેટલા લાભાર્થીઓને આવરી લેવાયા છે. તેમણે જણાવ્યું હતું કે આ વખતે ૧૫,૦૦૦ કરતા વધુ સગર્ભા બહેનોની નોંધણી કરવાનો લક્ષ્યાંક છે તેમજ જિલ્લાની ૨૦૦૦ આંગણવાડીઓ અને ૨૧૨ મિની આંગણવાડીઓ દ્વારા જિલ્લાના બાળકો, સગર્ભા બહેનો, ધાત્રી માતાઓમાં પોષણની સ્થિતિ સુધારવાના કાર્યને વધુ દ્રઢ રીતે આગળ ધપાવવામાં આવશે તેમ વધુમાં જણાવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લાની ૧૨ આંગણવાડી કાર્યકર્તાઓ અને ૧૨ તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડ મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં આંગણવાડી બહેનોને રૂા.૨૧,૦૦૦/- અને તેડગાર બહેનોને રૂા.૧૧,૦૦૦/-ના ચેક સાથે પ્રમાણપત્ર, પ્રેશરકૂકર, બેગ અને મોમેન્ટો આપવામાં આવ્યા હતા. સાથે દરેક આંગણવાડી કાર્યકર્તાઓને ગણવેશનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. વધુમાં બાળકોના પોષણસ્તરનું મોનિટરિંગ કરતા રજિસ્ટરનું વિમોચન પણ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.

જિલ્લાના આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા જુદા-જુદા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા, જેમાં સંતુલિત આહાર, નાના બાળકોના શારીરિક-માનસિક વિકાસની પધ્ધતિઓ રજૂ કરવામાં આવી હતી. આરોગ્યવિભાગ દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પનો સ્ટોલ પણ રાખવામાં આવ્યો હતો. સુપોષણ ચિંતન સમારોહમાં કાલોલના ધારાસભ્ય શ્રીમતિ સુમનબેન ચૌહાણ, જિલ્લા કલેક્ટર શ્રી ઉદિત અગ્રવાલ, નિવાસી અધિક કલેક્ટર શ્રી એમ.એલ. નલવાયા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી ગોપાલભાઈ પટેલ, પૂર્વ સાંસદ શ્રી પ્રભાતસિંહ ચૌહાણ, મહિલા અને બાળ વિકાસ તથા યુવા સાંસ્કૃતિક સમિતીના ચેરમેન કિર્તિબેન પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ નિમિષાબેન સુથાર, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ કેતુબેન દેસાઈ, રશ્મિકાબેન પટેલ, હાલોલ તાલુકા પંચાયતના પ્રમુખ સરપંચો, જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો, અધિકારીઓ, કર્મચારીઓ અને આંગણવાડી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.સમારોહનું શાબ્દિક સ્વાગત આઈ.સી.ડી.એસના પ્રોગ્રામ ઓફિસર ભારતીબેન રાવલે કર્યુ હતું, જ્યારે આભારદર્શન સી.ડી.પી.ઓ ભાનુમતીબેને કર્યું હતું.


Share

Related posts

અંકલેશ્વર માં એકમાત્ર એવુ મહાદેવનું મંદિર છે જ્યા રાતના બાર વાગ્યાના સમયે આરતી કરવામાં આવે છે.જાણો વધુ…

ProudOfGujarat

રાજપીપળા નગરપાલિકાને રાજ્ય સરકાર દ્વારા ફાયર માટે નાની ગાડી મળતા ખુબ જ ફાયદાકારક.

ProudOfGujarat

ભરૂચ : વારંવાર GPCB ની કાર્યવાહી છતાં ટેવાઇ ગયેલા ઉદ્યોગપતિઓએ પ્રદુષિત પાણી છોડયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!