પંચમહાલ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના જણાવ્યા અનુસાર જિલ્લામાં નવા 3 કોરોના પોઝિટીવ કેસ મળી આવતા હાલમાં જિલ્લામાં કુલ પોઝિટીવ કેસની સંખ્યા 4 થઈ છે. એક કોરોનાગ્રસ્ત પુરુષનું સારવાર દરમિયાન અવસાન થયું હતું. બે દિવસ અગાઉ ગોધરા શહેરના પ્રભારોડ, ભગવતનગર વિસ્તારમાંથી એક પોઝિટીવ કેસ મળી આવ્યો હતો. તેમના પરિવારજનોના સેમ્પલ પણ પરીક્ષણ અર્થે મોકલાતા તેમના પુત્રનો રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો છે. આ ઉપરાંત, ગોધરા સિવિલ ખાતે આઈસોલેશનમાં રહેલા બે અન્ય પુરુષોના રિપોર્ટ પણ કોરોના પોઝિટીવ આવ્યા છે. આ પૈકી એક વ્યક્તિ રબ્બાની મહોલ્લા અને અન્ય વ્યક્તિ મુસ્લિમ સોસાયટી, રાની મસ્જિદ વિસ્તારના નિવાસી છે. જિલ્લાના કુલ 3 વ્યક્તિઓની વડોદરા સરકારી હોસ્પિટલ ખાતે અને 1 વ્યક્તિ ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. જિલ્લા આરોગ્યતંત્રની 21 ટીમો દ્વારા આ દર્દીના રહેણાંકની આસપાસના 2 કિમીના બફર ઝોનના ઘરોમાં સઘન સર્વે હાથ ધરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં તેમની સાથે સંપર્કમાં આવ્યા હોય તેવા 25 કોન્ટેક્ટ ટ્રેસ કરીને તેમને હોમ ક્વોરેન્ટાઈનમાં મૂકવામાં આવ્યા છે. સંક્રમિત વ્યક્તિ ચાની લારીનો ધંધો કરતા હોવાથી છેલ્લા પાંચ દિવસમાં જેના સંપર્કમાં આવી હોય તેવી વ્યક્તિઓને ટ્રેસ કરીને તેમની એક કોન્ટેક્ટ લિસ્ટ બનાવવામાં આવી રહી છે. જેમની તપાસ કરી તેમને પણ હોમ ક્વોરેન્ટાઈન કરી નિરીક્ષણ હેઠળ મૂકવામાં આવ્યા છે. તકેદારીના પગલારૂપે સમગ્ર એરિયાને ગોધરા નગરપાલિકા દ્વારા સેનિટાઈઝ અને ડિસઈન્ફેક્ટ કરવામાં આવ્યો છે. જિલ્લામાંથી કોરોના સંક્રમણની તપાસ અર્થે કુલ 30 સેમ્પલ મોકલવામાં આવ્યા છે, જે પૈકી 26 નેગેટીવ, 02 પોઝિટીવ અને 02 સેમ્પલ ફરીથી ચકાસણી માટે મોકલાયા છે. એક સંક્રમિત વ્યક્તિનું સારવાર દરમિયાન અવસાન થઈ ગયું હતું. સંક્રમિત વ્યક્તિઓના સંપર્કમાં આવી હોય તેવી વ્યક્તિઓની યાદી તૈયાર કરી તમામને ટ્રેસ કરી ક્વોરેન્ટાઈન કરવામાં આવી રહ્યા છે. ગોધરા શહેરમાં નવા પ્રભાવિત ક્લસ્ટર ભગવતનગરમાં કુલ 124 ઘરો છે, જેમાં કુલ 401 વ્યક્તિઓ રહે છે. પોઝિટીવ વ્યક્તિના સંપર્કમાં આવેલ 26 વ્યક્તિઓ પૈકી 10 વ્યક્તિઓને નર્સિંગ હોમ ખાતે અને 12 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે જ્યારે 4 વ્યક્તિઓને આઈસોલેશન વોર્ડમાં મૂકવામાં આવ્યા છે. ભગવતનગરના બફર વિસ્તાર કુલ 5220 ઘરો છે, જેમાં 28,811 વ્યક્તિઓ રહે છે. 21 મેડિકલ ટીમો દ્વારા આ તમામ વ્યક્તિઓનો સઘન આરોગ્ય સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે. જિલ્લા સમાહર્તાશ્રી અરોરાએ આ કોરોનાગ્રસ્ત વ્યક્તિઓના સંપર્કમાં આવેલી વ્યક્તિઓને આગળ આવી તંત્રને તેની જાણ કરવા અપીલ કરી હતી જેથી વધુ વ્યક્તિઓને સંક્રમિત થતી અટકાવી શકાય.
પંચમહાલ જિલ્લામાં કોવિડ-19 નાં ત્રણ નવા કેસોનાં ઉમેરા સાથે કુલ 5 દર્દીઓ નોંધાયા.
Advertisement