પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં વધુ એક વ્યક્તિનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. ગોધરાના પ્રભા રોડ, ભગવદનગર વિસ્તારના 54 વર્ષીય આ વ્યક્તિની સિવિલ હોસ્પિટલ, ગોધરા ખાતે તાવ માટે સારવાર ચાલી રહી હતી. તેમનામાં કોરોના સંક્રમણના લક્ષણો જણાતા સાવચેતીના ભાગરૂપે તેમને વડોદરાની ગોત્રી કોરોના હોસ્પિટલ રિફર કરી સેમ્પલ કોરોના ટેસ્ટ માટે મોકલવામાં આવ્યું હતું. ગઈકાલે આ ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો. જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ જણાવ્યું હતું કે હાલ આ વ્યક્તિની વડોદરા ખાતેની કોરોના હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેમની તબિયત સ્થિર છે. તેમના ઘનિષ્ઠ સંપર્કમાં આવનારા 8 જણા પૈકી ચાર જણાને આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યારે અન્ય 4 ને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. દર્દીના પુત્ર અને પુત્રવધુને વડોદરા ખાતે જ્યારે નાના પુત્ર અને અન્ય એક ભાઈને ગોધરા સિવિલ ખાતે આઈસોલેશન વોર્ડમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત, ગોધરા સિવિલ ખાતે તેમની સારવાર કરનારા ડોક્ટર્સ અને એટેન્ડ કરનાર મેડિકલ સ્ટાફને પણ હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે અને તેમના આરોગ્યની સ્થિતિ પર સતત નજર રખાઈ રહી છે. જિલ્લા આરોગ્યતંત્રની 21 ટીમો દ્વારા આ દર્દીના રહેણાંકની આસપાસના 2 કિમીના બફર ઝોનના ઘરોમાં સઘન સર્વે હાથ ધરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં તેમની સાથે સંપર્કમાં આવ્યા હોય તેવા 25 કોન્ટેક્ટ ટ્રેસ કરીને તેમને હોમ ક્વોરેન્ટાઈનમાં મૂકવામાં આવ્યા છે. સંક્રમિત વ્યક્તિ ચાની લારીનો ધંધો કરતા હોવાથી છેલ્લા પાંચ દિવસમાં જેના સંપર્કમાં આવી હોય તેવી વ્યક્તિઓને ટ્રેસ કરીને તેમની એક કોન્ટેક્ટ લિસ્ટ બનાવવામાં આવી રહી છે. જેમની તપાસ કરી તેમને પણ હોમ ક્વોરેન્ટાઈન કરી નિરીક્ષણ હેઠળ મૂકવામાં આવ્યા છે. તકેદારીના પગલારૂપે સમગ્ર એરિયાને ગોધરા નગરપાલિકા દ્વારા સેનિટાઈઝ અને ડિસઈન્ફેક્ટ કરવામાં આવ્યો છે. જિલ્લામાંથી કોરોના સંક્રમણની તપાસ અર્થે કુલ 30 સેમ્પલ મોકલવામાં આવ્યા છે, જે પૈકી 26 નેગેટીવ, 02 પોઝિટીવ અને 02 સેમ્પલ ફરીથી ચકાસણી માટે મોકલાયા છે. એક સંક્રમિત વ્યક્તિનું સારવાર દરમિયાન અવસાન થઈ ગયું હતું. જિલ્લા સમાહર્તાશ્રી અરોરાએ આ કોરોનાગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવેલી વ્યક્તિઓને આગળ આવી તંત્રને તેની જાણ કરવા અપીલ કરી હતી, જેથી શહેરમાં સંક્રમણની ચેઈનને આગળ વધતા રોકી શકાય. તેમણે નાગરિકોને કોરોનાના લક્ષણો જણાય કે તેના સંબંધી કોઈ પણ જાણ કરવા માટે પંચમહાલ જિલ્લા કંટ્રોલરૂમનો નંબર 02672- 250668 કે કોરોના હેલ્પલાઈન (02672) 1077 પર સંપર્ક કરવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સાવધાની અને સતર્કતાથી જ આ મહામારીને જિલ્લામાં પ્રસરતી અટકાવી શકાશે. આ માટે જિલ્લાવાસીઓની જાગરૂતતા અને સક્રિયતા અત્યંત જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું.
પંચમહાલ જિલ્લાનાં ગોધરા શહેરમાં કોરોનાનો વધુ એક પોઝિટીવ કેસ નોંધાયો જિલ્લામાં અત્યાર સુધી કુલ 2 કેસ નોંધાયા.
Advertisement