રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની સુચના અનુસાર પંચમહાલ જિલ્લામાં પણ નોવેલ કોરોના વાયરસના દર્દીઓને જરૂરી સારવાર તાત્કાલિક ધોરણે પૂરી પાડવા માટે તાજપુરા ખાતે આવેલ શ્રી નારાયણ આઈ હોસ્પિટલ ખાતે કોવિડ-19 હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. આ કોવિડ-19 હોસ્પિટલ અને જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ સંક્રમણ ફેલાતું અટકાવવા સંદર્ભે થતી કામગીરી અર્થે જિલ્લાના અધિકારીશ્રીઓ અને મેડિકલ એસોસિયેશનના સભ્યોનો સમાવેશ કરતી એક સંકલન સમિતીની રચના કરવામાં આવી છે. આ સમિતી જિલ્લામાં મેડિકલ સુવિધાઓ તેમજ ઓપીડી સતત ચાલુ રહે, મેડિકલ સ્ટોર્સ પર દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રહે, કોરોનાના દર્દીઓને કોવિડ-19 હોસ્પિટલમાં રિફર કરવા તેમજ ડોક્ટર્સ અને પેરા મેડિકલ સ્ટાફને કામના આવવા-જવામાં તકલીફ ન પડે તે સહિતની બાબતો સુનિશ્ચિત કરશે. જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી દ્વારા સમિતીની તમામ કામગીરીનું સંકલન કરવામાં આવશે. જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષપણા હેઠળની આ સમિતીમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે.શાહ સહ-અધ્યક્ષ અને નિવાસી અધિક કલેક્ટરશ્રી એમ.એલ. નલવાયા સમિતીના સભ્ય સચિવ પદે રહેશે. તેમજ પ્રાંત અધિકારીશ્રીઓ સભ્ય તરીકે સમાવિષ્ટ છે. કુલ 20 સભ્યો ધરાવતી આ સમિતીમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, સિવિલ સર્જન, રોગચાળા નિયંત્રણ અધિકારી, ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન, હોમિયોપેથિક એસોસિયેશન અને આયુષ એસોસિયેશનના ડોક્ટર્સ સભ્યો તરીકે સામેલ છે.
પંચમહાલ રાજુ સોલંકી