કોરોના વાયરસની મહામારી પ્રસરતી અટકાવવા માટે સમગ્ર દેશમાં લોકડાઉન અમલી છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજનાના કાર્ડની પુરી થતી મુદ્દતમાં વધારો કરાયો છે. વાત્સલ્ય યોજનાના કાર્ડની તા.૩૧ માર્ચના રોજ પુરી થતી મુદ્દત તા.૩૦ જૂન સુધી લંબાવાઈ છે. પંચમહાલ જિલ્લામાં આ યોજનાના કુલ ૫૩,૦૩૫ લાભાર્થીઓ છે. સરકારશ્રી દ્વારા મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના અંતર્ગત વાર્ષિક રૂા.૪ લાખ કે તેથી ઓછી આવકના દાખલાના આધારે લાભાર્થીઓના કુટુંબોને આ યોજનાના કાર્ડ આપવામાં આવેલ છે. તેમાં રાજ્ય સરકારશ્રીની સુચના મુજબ આવકના દાખલાની મર્યાદાના આધારે આ કાર્ડની મુદત ૩ વર્ષની રાખેલ હતી. તેમા ચાલુ વર્ષ ૨૦૧૯-૨૦ તા.૩૧-૦૩-૨૦૨૦ ના રોજ આવકના દાખલાની મુદ્દત પૂર્ણ થતી હોય તેવા આવકના દાખલાની મુદ્દત તા.૩૦-૦૬-૨૦૨૦ સુધી લંબાવેલ છે. ત્યારબાદ લાભાર્થીઓએ આવકનો દાખલો રીન્યુ કરાવી લેવાનો રહેશે તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા જણાવાયું છે.
પંચમહાલ રાજુ સોલંકી