પંચમહાલ રાજુ સોલંકી
પંચમહાલ જિલ્લાના આશરે ૫ લાખ કરતા વધુ લોકોએ યોગાભ્યાસ કરીને વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. પંચમહાલ જિલ્લાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પોલિસ પરેડ ગ્રાઉન્ડ, ગોધરા ખાતે યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં ખેલ મહાકુંભ- ૨૦૧૮માં જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ યોગ પ્રદર્શન કરનારા યોગવીરોનું કૃષિ, પંચાયત અને પર્યાવરણ મંત્રી જયદ્રથસિંહ પરમાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત યોગ પ્રેમીઓને સંબોધતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ભાગદોડથી ભરેલા આજના તણાવગ્રસ્ત જીવનમાં યોગ તંદુરસ્ત અને નિરામય જીવન જીવવાનો રાજમાર્ગ છે. તેમણે જણાવ્યું હતું કે તણાવો અને ચિંતાથી મુક્ત થવા તેમજ માનસિક અને શારીરિક સ્વસ્થતા મેળવવા માટે આપણે આસનો અને પ્રાણાયમને આપણી રોજિંદી દિનચર્યામાં વણી લેવા જોઈએ. યોગ દિવસે સરસ આયોજન કરવા બદલ જિલ્લા તંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓને અભિનંદન આપતા તેમણે ઉમેર્યુ હતું કે યોગની પ્રેક્ટિસ આજના એક દિવસ પૂરતી મર્યાદિત ન રાખતા તેને નિયમિત જીવનશૈલી બનાવવાની આપણે જરૂર છે.
જિલ્લાના ઐતિહાસિક વારસા સમાન પાવાગઢ-ચાંપાનેરની જામી મસ્જિદ અને વિરાસતવન ખાતે પણ ૨૦૦ કરતા વધુ નાગરિકો અને વિદ્યાર્થીઓએ યોગ નિદર્શનમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત જિલ્લાના તમામ તાલુકા મથકોએ, સ્કૂલ,કોલેજો,આઈટીઆઈ સહિતની શૈક્ષણિક સંસ્થાઓ ખાતે પણ યોગાભ્યાસના કાર્યક્રમો યોજાયા હતા.