હાલમાં ચાલી રહેલી કોરોનાની મહામારીથી દેશની જનતાને બચાવવા પ્રધાન મંત્રી શ્રી મોદી દ્વારા 21 દિવસનું લોકડાઉન રાખવામાં આવેલ છે. તેના કારણે માત્ર જીવન જરૂરી કામ સિવાય કોઈ પણ વ્યક્તિ ઘરની બહાર નીકળી શકતું નથી. દરેક નાગરિકોને પોતાના ઘરમાં જ રહેવું જરૂરી છે. પોલીસ પણ લોકડાઉનનું કડક પાલન કરાવી રહેલ છે. તેવામાં સરકાર દ્વારા સામાજિક વેલ્ફેર યોજનાઓ જેવી કે વિધવા સહાય યોજના, ખેડૂત સહાય યોજના, જનધન ખાતા યોજનામાં સરકાર દ્વારા જે તે લાભાર્થીઓના ખાતામાં નાણાં જમા કરવામાં આવેલ છે.પરંતુ લોક ડાઉનના કારણે આ લાભાર્થીઓને પોતાની રકમ બેન્કમાંથી ઉપાડવા પોતાના ઘરોમાંથી બહાર ન નીકળવું પડે અને બેંકોમાં લાંબી લાઈનો ન લાગે અને લોકડાઉનનું કડક પાલન કરી શકાય અને આ સામાજિક વેલ્ફેરની રકમો જે તે લાભાર્થીઓને મળી શકે તે માટે પંચમહાલ જિલ્લાની ઇન્ડિયા પોસ્ટ ખાતા દ્વારા ખાસ ડોર ટુ ડોર પેમેન્ટ સેવા તથા જરૂરી ચીજ વસ્તુઓની ડિલિવરી સેવા શરૂ કરવામાં આવેલી છે
અને તે મુજબ પંચમહાલની ઇન્ડિયા પોસ્ટના 43 પોસ્ટ ઓફિસ અને 526 ગ્રામીણ પોસ્ટના તમામ ટપલીઓ અને અધિકારીઓ કર્મચારીઓ આ સામાજિક વેલ્ફેરની લાભાર્થીઓના ખાતામાં જમા થયેલી રકમો દરેક લાભાર્થીઓના ઘરે ઘરે તેમના દરવાજા સુધી જઈને આપી રહેલ છે. પંચમહાલમાં કુલ 17810 વિધવા બહેનોને કુલ રૂપિયા 3 કરોડ 16 લાખ 36 હજાર જેટલી વિધવા સહાયની રકમ પોસ્ટ ખાતા દ્વારા લાભાર્થીઓના ઘરે ઘરે જઈને છેલ્લા 10 દિવસમાં આપવામાં આવેલી છે. પોસ્ટ ખાતાની આ ડોર ટુ ડોર પેમેન્ટ સેવાથી વિધવા બહેનો તથા જરૂરિયાતમંદોને પોસ્ટ ઓફિસ સુધી આવું પડતું નથી અને તેમને સમયસર સરકારી સહાયની રકમ તથા જરૂરી દવાઓ, અનાજ વગેરે પણ ઘર બેઠા મળી રહેલ છે. પંચમહાલ જિલ્લા પોસ્ટના સુપ્રિટેન્ડન્ટ શ્રી દિનેશ ડોંગરે દ્વારા શરૂ કરવામાં આવેલ આ સેવા પંચમહાલની જનતા માટે આશીર્વાદ સમાન સાબિત થઇ રહેલ છે અને ખુબ જ ઉપયોગી થયેલ છે. પંચમહાલ પોસ્ટ ખાતા દ્વારા જરૂયાતમંદો માટે તાત્કાલિક મદદ માટે મોબાઈલ નંબર 9106068565 પણ શરૂ કરવામાં આવેલ છે. જો કોઈ પણ નાગરિકને તાત્કાલિક જીવન જરૂરી અનાજ કરિયાણું કે દવાની જરૂર હોય તો લોકો આ નંબર પર ફોન કરે તો પોસ્ટનો કર્મચારી તે વસ્તુ પણ જે તે જરૂરિયાત મંદને તાત્કાલિક પહોંચાડી રહેલ છે.
પંચમહાલ રાજુ સોલંકી
પંચમહાલ પોસ્ટ વિભાગ દ્વારા ડોર ટુ ડોર સેવા શરૂ કરવામાં આવી.
Advertisement