લોકડાઉન દરમિયાન શ્રમિક પરિવારો, રોજનું કમાનારા ગરીબ પરિવારો રોજબરોજના રાશન માટે કોઇ મુંઝવણ ના અનુભવે તે માટે રાજ્ય સરકાર દ્વારા સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે. સરકારે દરેક જિલ્લામાં અંત્યોદય કાર્ડ ધારકો અને એનએફએસએ કાર્ડ ધારકોને એપ્રિલ મહિનાનું રાશન વિનામૂલ્યે આપવાનો સંવેદનશીલ નિર્ણય કર્યો છે. જે અંતર્ગત પંચમહાલ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના સીધા માર્ગદર્શન હેઠળ પુરવઠા વિભાગ દ્વારા જિલ્લાના વિવિધ તાલુકાઓની માન્યતા પ્રાપ્ત સસ્તા અનાજની દુકાનો(ફેર પ્રાઈસ શોપ (એફપીએસ) પરથી એન.એફ.એસ.એ. રેશનકાર્ડ ધારકોને આ મહિનાના રાશનનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે. આ અંગે જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ જણાવ્યું હતું કે પંચમહાલ જિલ્લાના 2.14 લાખથી વધુ એન.એફ.એસ.એ રેશનકાર્ડ ધારક પરિવારો પૈકી 96.84 ટકાને એપ્રિલ મહિનાના રાશનનું વિનામૂલ્યે વિતરણ કરી દેવાયું છે, જેનો લાભ 2,07,308 પરિવારોને મળશે. આ ઉપરાંત લોક ડાઉનની સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે લીધેલ અન્ય એક સંવેદનશીલ નિર્ણય અંતર્ગત જિલ્લાના ગરીબી રેખા હેઠળ આવતા પરંતુ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા અંતર્ગત સમાવેશ ન થતો હોય તેવા 4144 બી.પી.એલ. નોન એન.એફ.એસ.એ રેશનકાર્ડ ધારકોને સાડા ત્રણ કિલો ઘઉં,દોઢ કિલો ચોખા વ્યક્તિ દીઠ, અને કાર્ડ દીઠ એક કીલો ચણાદાળ વ્યાજબી ભાવના અનાજની દુકાન પરથી વિતરણ કરવામાં આવ્યું છે. આવા કુટુંબોને અગાઉ મીઠું અને ખાંડનું વિતરણ કરવામાં આવી ચુક્યું છે. જિલ્લાના કુલ 9072 બીપીએલ કાર્ડ ધારકોને આ યોજના હેઠળ લાભ આપવાની પ્રક્રિયા પ્રગતિ છે. આ માટે તંત્ર દ્વારા એફ.સી.આઈ.ખાતેથી 215 મેટ્રિક ટન ખાદ્યાન્નનો ઉપાડ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, જિલ્લાની 7 જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓ, સેવાભાવી સંસ્થાઓ/વ્યક્તિઓ સાથે સંકલન સાધીને જરૂરતમંદ વ્યક્તિઓને 37,588 ફુડ પેકેટસ તથા 25,479 રેશનકીટનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. લોક ડાઉન દરમિયાન જિલ્લામાં અટવાયેલા પરપ્રાંતીય મજૂરો, કામદારો, કારીગરો અને અન્ય વ્યવસાયિક નિરાધાર વ્યક્તિઓ કે જેમની પાસે હાલ રેશનકાર્ડ નથી અથવા જે લોકો ગુજરાત રાજ્યના છે અને રેશનકાર્ડ ધરાવતા નથી અને અત્યંત ગરીબ, નિરાધાર, ઘર અને કુટુંબ વિહોણા છે, તેવી વ્યક્તિઓને સરકારની સૂચના અનુસાર લોકડાઉન અંતર્ગત ખાસ કિસ્સા તરીકે અન્ન બ્રહ્મ યોજના હેઠળ નિર્ધારિત જથ્થામાં ખાદ્ય સામગ્રીનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. આ યોજના હેઠળ પ્રતિવ્યક્તિ ઘઉં 3.5 કિલો, ચોખા 1.5 કિલો, દાળ 1 કિલો, ખાંડ 1 કિલો, મીઠું 1 કિલો આપવામાં આવશે. જિલ્લામાં લાભાર્થીઓને આવી કુલ 2907 ફુડ બાસ્કેટ કીટ વિતરણ કરવામાં આવ્યું છે.
પંચમહાલ રાજુ સોલંકી