ગોધરા રાજુ, સોલંકી
કૃષિ (રાજ્ય કક્ષા), પંચાયત, પર્યાવરણ (સ્વતંત્ર હવાલો) રાજ્ય મંત્રી જયદ્રથસિંહ પરમારે ગોધરા ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું દિપ પ્રાગટ્ય કરી અધ્યક્ષસ્થાનેથી જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્ય મંત્રી અને હાલના વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સરકારી યોજનાઓના લાભ છેવાડાના વિસ્તાર અને વંચિતજનો સુધી પુરેપુરા અને સીધા પહોંચાડવા રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાઓની શરૂઆત કરી હતી. પારદર્શક ગુજરાત સરકારે વચ્ચેથી વચેટીયા કાઢી લાભાર્થીના હાથ સુધી યોજનાઓના ૧૦૦ ટકા લાભ એક જ છત્ર હેઠળ ગરીબ કલ્યાણ મેળા થકી પહોંચાડ્યા છે. હવે યોજનાઓના લાભ માટે કોઇપણ ભલામણની જરૂર પડતી નથી.
તેમણે વધુમાં કહ્યું હતું કે, આરોગ્યની મોંઘી સેવાઓ ગરીબ અને મધ્યમ વર્ગના કુટુંબો માટે મા અમૃતમ અને મા વાત્સલ્ય યોજના થકી સુલભ બનાવી છે. હવે દેવુ કરીને કોઇને પણ દવા નહિ કરાવવી પડે. ૧૦૮ની સેવા, ગામે ગામ પાકા રસ્તાની સુવિધા, ૨૪ કલાક વીજ સેવા જેવી અનેક લોકકલ્યાણની જન સુવિધાઓ સરકારે ઉભી કરી છે.
ગુજરાત રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષા શ્રીમતી લીલાબેન અંકોલીયાએ અતિથિ વિશેષપદેથી જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે મહિલાઓ માટેની ૧૦૦થી વધુ યોજનાઓ અમલીત કરી છે. રાજ્યની મહિલાઓના સશક્તિકરણ અને સર્વાંગી વિકાસ હેતુ દરેક ક્ષેત્રોમાં મહિલાઓની ભાગીદારી વધે તેવા તમામ પ્રયાસો હાથ ધર્યા છે. સ્વાયત સંસ્થાઓમાં મહિલાઓને ૫૦ ટકાની ભાગીદારી આપી મહિલાઓની શક્તિને ઉજાગર કરી છે.
ગોધરાના એસ.આર.પી. ગ્રાઉન્ડ ખાતે આયોજિત ગરીબ કલ્યાણ મેળામાં ઉપસ્થિત મંત્રીશ્રી, પદાધિકારીઓ અને મહાનુભાવોના વરદ્ હસ્તે જિલ્લાના ૬૨૦૭ લાભાર્થીઓને રૂ. ૨૫૨.૦૧ લાખની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ૫૬૮૦ લાભાર્થીઓને વિવિધ વિભાગોની રૂ. ૧,૭૪,૪૦,૨૨૪ની સાધન સહાય અને ૫૨૭ લાભાર્થીઓને રૂ. ૭૭,૯૪,૪૮૦ની રકમના ચેક સહાયનો સમાવેશ થાય છે.
પાછલા વર્ષના ગરીબ કલ્યાણ મેળાના લાભાર્થીઓએ પ્રતિભાવમાં, સરકારની યોજનાઓ અંતર્ગત તેમને મળેલી સહાયથી તેમની આર્થિક સ્થિતિના સુધાર સાથે જીવનવ્યાપનમાં થયેલી સરળતા અંગે જણાવ્યું હતું. જેમાં ઓટોરીક્ષા ફેરવી પરિવારનું ગુજરાન ચલાવતા સુનિલભાઇ રાઠોડે તેમની દિકરી પ્રિયાંશીના હ્રદયના છિદ્ર ઓપરેશન માટે મા વાત્સલ્ય કાર્ડ થકી મળેલી વિનામૂલ્યે આરોગ્ય સારવાર માટે ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે, મંત્રી જયદ્રથસિંહ પરમારને કન્યા કેળવણી નિધિ હેતુ ગોધરા એ.પી.એમ.સી. દ્વારા રૂ. ૨૫,૦૦૦નો ચેક, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રૂ. ૨૧,૦૦૦નો ચેક, ગોધરા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રૂ. ૧૫,૦૦૦નો ચેક, મોરવા (હ) તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રૂ. ૧૫,૦૦૦નો ચેક અને પંચમહાલ જિલ્લા માધ્યમિક અને ઉચ્ત્તર માધ્યમિક શૈક્ષણિક સંઘ દ્વારા રૂ. ૧૧,૦૦૦નો ચેક અર્પણ કરવામાં આવ્યાં હતાં.
સમારોહનું શાબ્દિક સ્વાગત કરતાં જિલ્લા કલેકટર શ્રી ઉદિત અગ્રવાલે, જિલ્લાના કુલ ૧,૦૮,૩૯૨ લાભાર્થીઓને વિવિધ યોજનાઓની વ્યક્તિગત અને સામુહિક મળી રૂ. ૧૬૦૧૨.૨૯ની સહાયની વિગતો આપતા જણાવ્યું હતું કે, ગરીબ કલ્યાણ મેળામાં અપાતી સાધન સહાય લાભાર્થીના ઘર સુધી પોંચાડવાની વ્યવસ્થા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે.
ગોધરા ખાતે આયોજિત જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજપાલસિંહ જાદવ, કાલોલના ધારાસભ્ય શ્રીમતી સુમનબેન ચૌહાણ, પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલ, નાયબ વન સંરક્ષક ડો. અંશુમાન શર્મા, શ્રી પરમાર, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી ગોપાલભાઇ પટેલ, શ્રી અશ્વિનભાઇ પટેલ, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ડિરેક્ટર શ્રી ગોપાલભાઇ શેઠ, પૂર્વ ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથાર, તાલુકા પંચાયતના પ્રમુખો, નગરપાલિકાના પ્રમુખો, પંચાયતની વિવિધ સમિતિઓના અધ્યક્ષો, પદાધિકારીઓ, આમંત્રિતો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.