પંચમહાલ જીલ્લાના મોરવા હડફ તાલુકાના રામપુર ગામની સીમમાંથી પસાર થતી પાનમ નદીના તટમાં ગામના બાળકો રમી રહ્યા હતા તે વખતે બાળકોને નદીના પાણીમાં મોટી સંખ્યામાં એટીએમ કાર્ડ જોવા મળતા તે અંગેની જાણ ગ્રામજનોને કરવામાં આવી હતી. ગ્રામજનો દ્વારા સમગ્ર હકીકત મોરવા હડફ પોલીસને કરવામાં આવી હતી.
જેને લઈને પોલીસ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને નદીના પાણીમાંથી 350 જેટલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના જુદાજુદા ખાતેદારોના નામ લખેલા એટીએમ કાર્ડ કબ્જે કર્યા હતા. પોલીસે હાલ સમગ્ર બાબતને લઈને જાણવા જોગ ફરિયાદ નોધીને હાલ આ કાર્ડ નદીમાં કેવી રીતે પહોંચ્યા તે દિશામાં વધુ તપાસ હાથધરી છે.
ત્યારે ઉલ્લેખનીય છે કે મળી આવેલા તમામ કાર્ડ પર પ્રધાનમંત્રી જનધન યોજનાનો લોગો પ્રિન્ટ કરેલ છે, જેથી એ વાત ચોક્કસ છે કે આ તમામ કાર્ડ પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખોલવામાં આવેલા બેંક ખાતાધારકોના જ છે. ત્યારે સવાલ એ થાય છે કે આ તમામ કાર્ડ કોઈ સરકારી યોજના માટે ખોલવામાં આવેલા બેંક ખાતાના તો નથીને ?
ગ્રામ્યવિસ્તારના લોકોની જાણ બહાર ખાતા ખોલી ભ્રષ્ટાચાર આચરવા માટે ખાતાધારકોની જાણ બહાર ખાતા ખોલવામાં આવ્યા હોય અને તે ખાતાના આ એટીએમ કાર્ડ કોઈ ઇસમ દ્વારા પાનમ નદીમાં નાખી દેવામાં આવ્યા હોય તેવી પણ શક્યતાઓને નકારી શકાય તેમ નથી. ત્યારે હવે જોવું રહ્યું છે પોલીસ તપાસમાં આ સમગ્ર મામલે શું હકીકતો બહાર આવે છે.