માંગરોળ તાલુકા મથક ખાતે છોટુભાઈ વસાવાના નેતૃત્વ વાળી ભારતીય ટ્રાઇબલ પાર્ટી (બી.ટી.પી.) ના કાર્યકરોએ વિરોધ પ્રદર્શિત કરી મોરવા હડફના ધારાસભ્ય નીમીષા સુથારને રાજ્ય સરકારના આદિજાતિ મંત્રી પદેથી તાત્કાલિક ધોરણે દૂર કરવાની માંગ કરી છે.
ભારતીય ટ્રાઈબલ પાર્ટી સુરત જિલ્લાના પ્રમુખ સુભાષભાઈ વસાવા, રમેશભાઈ રાઠોડ, શૈલેષભાઈ રાઠોડ,ચંદુભાઈ ગામીત, નિલેશભાઈ વસાવા સહિતના આગેવાનોએ ગુજરાતના રાજ્યપાલ અને મુખ્યમંત્રીને સંબોધીને લખેલું એક આવેદનપત્ર માંગરોળના મામલતદાર ડી.કે.વસાવાને સુપ્રત કરી જણાવ્યું કે મોરવા હડફના ધારાસભ્ય નીમીષાબેન સુથાર આદિજાતિના ખોટા પ્રમાણપત્ર ઉપર ધારાસભ્ય બન્યા છે. આ સંદર્ભમાં સાચા આદિવાસીઓ દ્વારા તેમના વિરુદ્ધ કોર્ટમાં કાયદેસરની ફરિયાદો કરવામાં આવી છે. નિમિષાબેન સુથાર સતત આ મુદ્દે વિવાદોમાં ઘેરાયેલા રહ્યા છે. આદિવાસી સમાજના હક્કો ઉપર તરાપ મારનાર વિરુદ્ધ કોર્ટનો જજમેન્ટ નહીં આવે ત્યાં સુધી તેમને તમામ હોદ્દા ઉપરથી બરતરફ કરવામાં આવે તેવી આદિવાસી સમાજની માંગ છે. આદિવાસીઓના હક અને અધિકાર સાથે અન્યાય કરનાર વ્યક્તિને ગુજરાત સરકારમાં આદિજાતિ વિભાગના મંત્રી બનાવાતા આદિવાસી સમાજના લોકોની લાગણી દુભાઈ છે. તેમને હોદ્દા પરથી દૂર કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં આદિવાસી સમાજ મોટું આંદોલન કરશે તેની તમામ જવાબદારીઓ સરકારી વહીવટી તંત્રની રહેશે એવી પણ ચિમકી ભારતીય ટ્રાઈબલ પાર્ટીના આગેવાનો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.
વિનોદ મૈસુરિયા : વાંકલ