બે વર્ષ પહેલા માતા અને કોરોના કાળમાં બે મહિના પહેલા પોતાના પિતા ગુમાવીને પંચમહાલ જિલ્લાના અંતરિયાળ ઘોઘંબા તાલુકાની 14 વર્ષની તેજલ અને તેનાથી નાની ત્રણ બહેનો હેતલ, રાજેશ્વરી અને દિવ્યા મા-બાપની છત્રછાયા વગરના બન્યા. આર્થિક રીતે સાવ નબળી સ્થિતિ અને નજીકના કહી શકાય તેવા સંબંધીઓનો સહારો પણ નહીં. માતા-પિતા ગુમાવ્યા બાદ તેજલ પોતાનું અને નાની બહેનોનું ગુજરાન ચલાવવા ઘરકામ કરવા જતી હતી. આસપાસના લોકો પણ થોડી મદદ કરતા પરંતુ અનિશ્ચિતતા આ બાળકીઓને સતત ઘેરાયેલી રહેતી. આ પરિવારના હિતચિંતક અને સમાજના વિઠ્ઠલભાઈ જણાવે છે કે તેમના પિતા ઈંટના ભઠ્ઠાના મજૂર રહેલા અને વિશેષ કોઈ સંપત્તિ છોડી નહીં ગયેલા તેથી ભણતર સહિતની બાબતો માટે આ બહેનોનું ભવિષ્ય અંધકારમય જણાતું હતું.
જો કે એકાદ અઠવાડિયા પહેલા સરકારને આ બહેનોની સ્થિતિ અને સહાયની જરૂર વિશે માહિતી મળતા સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા વિભાગની ટીમે બાળકીઓની રૂબરૂ મુલાકાત લીધી. આ બાળકીઓને કોરોના કાળમાં અનાથ બનેલા બાળકોની સંભાળ માટે સરકારશ્રી દ્વારા શરૂ કરાયેલ એક સંવેદનશીલ યોજના મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત લાભ મળવાપાત્ર થતો હતો. અધિકારીઓની ટીમે તુરંત જોઈતા દસ્તાવેજો કઢાવ્યા, ફોર્મ ભરી આપ્યા અને સ્થળ પર જ સહાય મંજૂર કરી. ચારેય બહેનોના કુલ રૂ.16,000/-ની સહાય તેમના ખાતામાં જમા થઈ ચૂકી છે.
આ સહાય દરેક મહિને મળવાની છે તે જાણી તેજલને હવે બહેનોના ભવિષ્ય માટે હાશ થઈ છે. નાની બહેનોને વધુ તો નહીં પણ એટલું સમજાય છે કે હવે સ્થિતિ ઘણી સારી થઈ છે. દુખ દૂર થયાનો આનંદ તેમના ચહેરા પર વર્તાય છે. વિષ્ણુભાઈ તેમના પાલક પિતા તરીકે તેમની અન્ય જરૂરિયાતો અને મદદનો ખ્યાલ રાખશે. તેઓ પણ સરકારની આ યોજના વિશે હર્ષ વ્યક્ત કરતા જણાવે છે કે આ બાળકીઓ પર આવી પડેલી આફતથી સૌ કોઈ દુખ અનુભવતા હતા અને યથાશક્તિ મદદ પણ કરતા હતા પરંતુ તે પૂરતી નહોતી. સરકારની આ સહાય શરૂ થતા બાળકીઓને સારૂ ભણતર અને સારૂ જીવન આપી શકાશે.
જિલ્લાના કુલ 30 બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત લાભ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી જે.એચ. લખારા માહિતી આપે છે કે પંચમહાલ જિલ્લામાં માર્ચ-20થી અત્યાર સુધી જિલ્લા બાળ સુરક્ષા એકમ, ગોધરા દ્વારા સર્વે કરી કુલ 30 અનાથ બાળકોને સ્પોન્સરશીપ એન્ડ ફોસ્ટર કરે એપ્રુવલ કમિટીમાં મંજૂર કરી મુખ્યમંત્રી બાલ સેવા યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે. દરેક બાળકને દર મહિને રૂ.4,000/- દીઠ કુલ રૂ.1,20,000/-ની સહાય પ્રતિ માસ ચૂકવવામાં આવી રહી છે.
માતા-પિતાના અવસાનથી અનાથ બનેલ બાળકોને આર્થિક સહાય માટે સામાજિક ન્યાય અને વિભાગ દ્વારા આર્થિક સહાય આ૫વા મુખ્યમંત્રી બાળ સેવા યોજના અમલમાં મુકવામાં આવી છે .આ યોજના હેઠળ જે બાળકે પોતાના માતા-પિતા કોરોના કાળ દરમિયાન ગુમાવ્યા હોય, કોરોના કાળ અગાઉ અનાથ થયેલ બાળકોના પાલક માતા-પિતાના અવસાન થયેલ હોય તેમજ જે બાળકના કોઇપણ એક વાલી કોરોનાના સમય પહેલા અવસાન થયેલ હોય અને બીજાવાલી કોરોના સમય દરમિયાન અવસાન પામે તેવા કેસમાં ૫ણ અનાથ થયેલ બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ માસિક રૂ. 4,000/-ની સહાય બાળક 18 વર્ષ પૂર્ણ કરે ત્યાં સુઘી મળવા પાત્ર છે.
રાજુ સોલંકી ,પંચમહાલ.