Proud of Gujarat
FeaturedGujarat

સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૧૯ અંતર્ગત પંચમહાલ જિલ્લામાં રૂા.૭૨૪.૦૭ લાખના ખર્ચે ૫૦૭ કામો હાથ ઘરાશે…

Share

૭૩.૮૦ લાખ ઘનફૂટ પાણીના સંગ્રહનું આયોજન
મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારે ઘોઘંબા તાલુકાના રીંછવાણી ગામના તળાવથી જળસંચયના કામોનો કરાવ્યો પ્રારંભ.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

રાજ્યના જળાશયોને ઉંડા કરીને પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતામાં વધારો કરવા માટેની સરકારની યોજના સુજલામ સુફલામના દ્વિતીય તબક્કાનો મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમારે ઘોઘંબાના રીંછવાણી ગામે શ્રમદાન કરીને શુભારંભ કરાવ્યો હતો.

પંચમહાલ જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૧૯ અંતર્ગત રૂા.૭૨૪.૦૭ લાખના ૫૦૭ કામોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કામો થકી ૨.૦૯ લાખ ઘનમીટર માટીનું ખોદાણ થશે, જેનાથી ૭.૮૦ લાખ ઘનફૂટ પાણીનો સંગ્રહ થશે. આ આયોજન હેઠળ તળાવ ઉંડા કરવાના ૭૮ કામો અને ચેકડેમ ડીસીલ્ટીંગના ૫ કામો લોકભાગીદારીથી હાથ ધરવામાં આવશે. જ્યારે મનરેગા યોજના હેઠળ તળાવના ૩૬ કામો, ચેકડેમ ઉંડા કરવાના ૧૨૭ કામો, માટીપાળાના ૪૧ કામો, ગેબીયનના ૮ કામો, નદીઓ પુનઃજીવિત કરવાની કામગીરીના (વોટરશેડ) ૨ કામો હાથ ધરવામાં આવશે. તે ઉપરાંત પાણી પુરવઠા બોર્ડ, જળ સંરક્ષણ બોર્ડ અને સરદાર સરોવર નિગમ લિમિટેડના નેજા હેઠળ ડીપાર્ટમેન્ટલ કામગીરીના ભાગરૂપે નહેરની સફાઈના ૧૧ કામો અને ચેકડેમ રીપેરિંગના ૧૧૯ કામો હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત વન વિભાગની કામગીરીના ભાગરૂપે વનતલાવડીના ૬૨ કામો, કન્ટુર ટ્રેન્ચના ૧૪ કામો તેમજ વોટરશેડ હેઠળ નવા ચેકડેમના ૪ કામો હાથ ધરવામાં આવશે. આ કામોના પગલે ૯૯,૦૨૦ માનવદિનની રોજગારી ઉત્પન્ન થશે.
કાર્યક્રમમાં ઉપસ્થિતજનોને સંબોધન કરતા મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું કે વિસ્તારમાં વરસાદનું પ્રમાણ સતત ઘટી રહ્યું હોવાથી સિંચાઈ અને પીવાના પાણીની ઉપલબ્ધતા સતત ઘટી રહી છે. ગુજરાતના ખેડૂતોની આ સમસ્યાને પારખીને તેના ઉકેલ માટે વિવિધ પહેલો શરૂ કરનારા વડાપ્રધાનની પ્રશંસા કરતા તેમણે ઉમેર્યું હતું કે તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂર્ગભજળના સ્તર ઉંચા લાવવા માટે ખેતતલાવડી, બોરીબંધ બાંધવા, ચેકડેમ ડીશિલ્ટીંગ, તળાવો ઉંડા કરવા જેવા કામો શરૂ કરાવ્યા હતા. મંત્રી શ્રીએ જણાવ્યું હતું કે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ આ પહેલોને શ્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત સરકારે આગળ વધારી છે અને પાણીના મોરચે સ્થિતિ સુધારવા સંપૂર્ણપણે કટિબદ્ધ છે.
આ અંગે વધુ માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે જળવ્યવસ્થાપન માટે વિશ્વભરમાં જાણીતા ઈઝરાયેલ સાથે સરકારે એમઓયુ કર્યા છે અને તેની મદદથી સરકાર દરિયાના ખારા પાણીને પીવાના મીઠા પાણીમાં પરિવર્તિત કરતા પ્લાન્ટો મોટા પાયે સ્થાપીને પાણીની તંગી હળવી કરવાની દિશામાં કાર્યરત છે.

સુજલામ સુફલામના બીજા તબક્કામાં સૌને ઉત્સાહભેર સામેલ થવાની હાકલ કરતા તેમણે જણાવ્યું હતું કે તેના પગલે ૭૩.૮૦ લાખ ઘનફૂટ પાણીનો સંગ્રહ કરી શકાશે. ખેડૂતોને તેના પ્રત્યક્ષ-અપ્રત્યક્ષ લાભ પ્રાપ્ત થશે. આ યોજનાના વિવિધ લાભો વિશે ગ્રામજનોને જણાવીને તેમાં સહકાર આપવા અનુરોધ કર્યો હતો.

જળસંચય ક્ષમતામાં વધારો કરવાના આ ભગીરથ કાર્યના શુભારંભ પ્રસંગે બોલતા સાંસદ શ્રી પ્રભાતસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે વિસ્તાર છેલ્લા કેટલાક સમયથી ઓછા વરસાદની સમસ્યાનો સામનો કરી રહ્યો છે, તેના પાયામાં વધેલી માનવ વસ્તી, યંત્રોનો વધેલો ઉપયોગ, વૃક્ષોની સંખ્યામાં થઈ રહેલો સતત ઘટાડો અને તેના પરિણામે વાતાવરણમાં ઓક્સિજનના સ્તરમાં થઈ રહેલો ઘટાડો જવાબદાર છે. ઘટતા જતા વરસાદ અને તેના પરિણામે સિંચાઈ અને પીવાના પાણીનો પ્રશ્ન ઉકેલવા માટે પાણીના તળ સ્તરો ઉંચા લાવવા માટે ગામે-ગામ ચેકડેમો ઉભા કરવાનો ઉપાય ચીંધનારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિના વખાણ કરતા તેમણે ઉમેર્યું હતું કે આજની સ્થિતિ જોતા સમુદ્દ્રમાં વહી જતા પાણીને રોકીને તેનો સંગ્રહ કરવો જરૂરી છે અને ગામના તળાવો ઉંડા કરવા તે દિશામાં એક અગત્યનું પગલું બની રહેશે.

કાર્યક્રમની શરૂઆતમાં સ્વાગત-પ્રવચન કરતા જિલ્લા કલેક્ટર શ્રી ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે ગયા વર્ષે સુજલામ સુફલામ યોજના હેઠળ ૧૪૭૦ જળાશયો ઉંડા કરીને પંચમહાલ જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંકે રહ્યો હતો. પાછલો દેખાવ યથાવત રાખતા ચાલુ વર્ષે પણ જિલ્લાની જળસંચય ક્ષમતામાં વધારો થશે અને તેના પરિણામે સ્થાનિક ગ્રામીણો માટે પાણીની ઉપલબ્ધતામાં વધારો થશે તેવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે જિલ્‍લા પંચાયત પ્રમુખ શ્રી રાજપાલસિંહ જાદવ, કાલોલના ધારાસભ્‍ય શ્રીમતી સુમનબેન ચૌહાણ, જિલ્‍લા વિકાસ અધિકારી શ્રી એ.જે.શાહ, ઘોઘંબા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી છેલુભાઇ રાઠવા, નાયબ વન સંરક્ષક ડો. અંશુમાન શર્મા, શ્રી અશ્વિનભાઇ પટેલ, શ્રી સરદારસિંહભાઇ બારીયા, જિલ્‍લાના અધિકારીઓ, જિલ્‍લા તાલુકાના પદાધિકારીઓ, અગ્રણીઓ સહિત મોટાપાયે ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

“મુખ્યમંત્રી બાળ સેવા યોજના” અંતર્ગત કોરોનાકાળમાં માતા-પિતા ગુમાવનાર બાળકો માટે માસિક રૂ.૪૦૦૦/- આર્થિક સહાય.

ProudOfGujarat

વાંકલ : તાઉ-તે વાવાઝોડાના પગલે સુરતમાં થયેલા નુકશાન સંદર્ભે ખેતીવાડી, બાગાયત વિભાગની ૪૧ ટીમોએ પાંચ દિવસમાં જ સર્વેની કામગીરી પૂર્ણ કરી.

ProudOfGujarat

અટલ બિહારી વાજપેયીની આજે 5 મી પુણ્યતિથિ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને PM મોદીએ ‘સદૈવ અટલ’ પર જઈને આપી શ્રદ્ધાંજલિ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!