પંચમહાલ રાજુ સોલંકી
જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકાના જસાપર ગામના ખેડૂત જયંતિભાઈ નથુભાઈ ફળદુ પરંપરાગત રીતે ચાલતી આવતી ચીલાચાલુ ખેતી કરતા હતા.પાક ઉત્પાદન નહિવત મળતું હતું પરંતુ રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે યોજાતા કૃષિ મહોત્સવમાં આધુનિક ખેતી પદ્ધતિઓ વિશે જાણકારી મેળવી તેમણે બાગાયતી ક્ષેત્રે ઝંપલાવ્યું અને ખારેકની ખેતી શરૂ કરી હતી. જેમાં તેમણે માતબર આવક મેળવી છે. આજે તેઓ ખુશ છે અને આર્થિક રીતે સદ્ધર થયા છે. પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના ખાનપુર ગામે રાજ્યકક્ષાના કૃષિ મહોત્સવમાં જયંતીભાઈને સજીવ ખેતી માટે સને ૨૦૧૮-૧૯નો સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર મળતાં તેઓ આનંદ વ્યક્ત કરતા જણાવે છે કે ખારેક અને ડ્રેગન ફ્રુટમાં દેશી ખાતર બનાવી તેમાં ગૌમૂત્ર ડિકમ્પોઝ ડ્રીપ સાથે આપવાનું ચાલુ કર્યું જેથી પાકોમાં સારો વધારો અને મીઠાશ જોવા મળી તેમજ દવાના ખર્ચમાં લગભગ ૫૦ ટકા જેટલો ઘટાડો થયો છે અને દર વર્ષે ઉત્પાદનમાં વધારો થાય છે. વધુમાં જયંતીભાઈ જણાવે છે કે બે એકર જમીનમાં ખારેકની ખેતી કરી જેમાં ત્રણ લાખનો ખર્ચ થયો છે અને પાંચ લાખની આવક એમ સારો એવો ફાયદો થયો છે. આમ કૃષિ મહોત્સવની મુલાકાત લેવી અને જાણકારી મેળવવી તેમના જીવનમાં આર્થિક ઉન્નતિ લાવનારી બની રહી.