પંચમહાલ રાજુ સોલંકી
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તારીખ ૨૧મી જૂને થનારી ઉજવણી અંતર્ગત પંચમહાલ જિલ્લામાં પાંચ લાખ નાગરિકો જિલ્લાના ૧૯૦૦ જેટલા જુદા જુદા સ્થળોએ યોગ કરશે. જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ગોધરા સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે.જેમાં કૃષિ (રાજ્યકક્ષા), પંચાયત, પર્યાવરણ (સ્વતંત્ર હવાલો) રાજ્યમંત્રી જયદ્ર્થસિંહ પરમારની પ્રેરક ઉપસ્થિતિ રહેશે.વિશ્વ યોગ દિવસના પાંચમા ચરણની ઉજવણી માટે જિલ્લા વહીવટી તંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓની બેઠક જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલની અધ્યક્ષતામાં યોજાઇ હતી.જેમાં જિલ્લા વિકાસ અધિકારી એ.જે. શાહ, પોલીસ અધિક્ષક ડો.લીના પાટિલ, નાયબ વન સંરક્ષક અંશુમાન શર્મા સહિત જિલ્લાના તમામ અધિકારીઓ, પતંજલિ આર્ટ ઓફ લિવિંગ, સ્વામી વિવેકાનંદ યુવા મંડળ, સ્વામી વિવેકાનંદ મહિલા મંડળ વકીલ એસોસિયેશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગોધરાના પોલીસ હેડ ક્વાર્ટરના પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના યોગાભ્યાસ કાર્યક્રમમાં ૪૫૦૦ જેટલા નાગરિકો ભાગ લેશે. આ ઉપરાંત ગોધરા તાલુકા કક્ષાએ પાંચ સ્થળોએ અને અન્ય તાલુકાઓમાં પણ વિવિધ સ્થળોએ નાગરિકો દ્વારા યોગ નિદર્શન કરવામાં આવશે. જિલ્લા, તાલુકા ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ, શાળા-કોલેજો અને જાહેર સ્થળોમાં પાવાગઢ પાસેના વિરાસત વન ખાતે ચાંપાનેરની જામા મસ્જિદ ખાતે પણ યોગના કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા છે.આગામી તારીખ ૨૧/૦૬/૨૦૧૯ના રોજ સવારના ૬/૦૦ કલાકથી યોગના કાર્યક્રમનો પ્રારંભ થશે. જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં મંત્રી જયદ્રથસિંહ પરમાર ખેલ મહાકુંભ- ૨૦૧૮માં જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર યોગવીરોનું સન્માન કરશે.આ ઉપરાંત પતંજલિ સંસ્થાના યોગવીરો દ્વારા યોગ પિરામીડનું નિદર્શન કરવામાં આવશે.
જિલ્લાના અને તાલુકાના યોજાનારા આ યોગાભ્યાસ કાર્યક્રમો માટે જિલ્લા કક્ષાના અધિકારીઓને વિવિધ ફરજો ની સોંપણી કરવામાં આવી છે. આ ઉપરાંત નાગરિકોને યોગાસનોની તાલીમ માટે યોગ પ્રશિક્ષકોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે યોજાયેલા વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં પંચમહાલ જિલ્લાના ૪.૯૭ લાખ નાગરિકોએ ભાગ લઇને યોગ કર્યા હતા.