પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વાર જિલ્લા કલેકટર રજૂઆત પત્ર આપવામાં આવ્યું છે. જેમાં ગોધરા નગરપાલિકાના પ.વ.ડી વિભાગમાં કામ કરતી મહિલા કામદારોને કાયમી કરવા માટેની રજુઆત સાથે તેઓના કામના કલાકો ફિક્સ કરવામાં આવે, મહિનામાં ચાર ફરજીયાત રજાઓ સાથે જાહેર રજાઓનો લાભ આપવામાં આવે, યોગ્ય પગાર આપવામાં આવે એવી માંગ સાથે જિલ્લા કલેકટરને રજૂઆત પત્ર આપવામાં આવ્યું છે.
ગોધરાના વિસ્તારમાં રહેતી ૪૦ જેટલી મહિલા કામદારો છેલ્લા ૩૦ વર્ષથી ગોધરા નગરપાલિકાના પ.વ.ડી વિભાગમાં તદ્દન હંગામી ધોરણે કામ કરે છે. આટલી મોંઘવારીમાં નજીવા દૈનિક વેતનમાં કામ કરતી મહિલા કામદારોના પ્રશ્નોને વાચા આપવા તથા તેઓના હક્ક અને અધિકાર માટે પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
આ સંદર્ભે જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ સરકાર પર સવાલ ઉઠાવ્યા છે કે, મહિલાઓનું સન્માન કરવાની વાતો કરતી સરકાર ખરેખર મહિલાઓને અન્યાય કરે છે, તેઓનું શોષણ કરે છે. આજે પાંત્રીસ વર્ષથી નજીવા દૈનિક વેતનમાં કામ કરતી મહિલા કામદારો પ્રત્યે સરકારને સંવેદના હોવી જોઈએ. મોંઘવારીમાં ઘર ચલાવવાનું કામ મુશ્કેલ બન્યું છે ત્યારે પગાર વધારવાની માંગ કરવામાં આવે ત્યારે આ મહિલા કામદારોને ધાક ધમકી આપવામાં આવે છે અને છુટા કરી દેવાની ધમકીઓ આપવાનું જાણવા મળે છે તે દુઃખ ની બાબત છે એમ પ્રમુખે જણાવ્યું હતું.
જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆ, ઉપ પ્રમુખ દયાલભાઇ આહુજા, સંગઠન મંત્રી દર્શન વ્યાસ, સહ સંગઠન મંત્રી કૃણાલ ચૌહાણ, શહેર પ્રમુખ અજય વસંતાની તથા ઝોન કિસાન પ્રમુખ અરવિંદભાઈ માછી સહિતના કાર્યકરોએ આ મહિલા કામદારો સાથે તીરગર વાસમાં આવેલા રામજી મંદિરના પરિસરમાં બેઠક કરવામાં આવી હતી અને બહેનોએ પોતાની સમસ્યાઓ જણાવી હતી જે સંદર્ભે તમામ ઉપસ્થિત બહેનોએ આ રજૂઆત પત્રમાં સહી કરી, અંગુઠો કરી રજૂઆત પત્ર તૈયાર કરવામાં આવ્યું હતું જે રજૂઆત પત્ર જિલ્લા કલેકટર આપવામાં આવ્યું છે.
પંચમહાલ ગોધરા રાજુ સોલંકી