કોરોના વાઇરસે વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે એવામાં પાલેજ ગ્રામ પંચાયત દ્વારા ગામના લોકોને સુરક્ષિત રાખવા અગમચેતી પગલાં ભરી આગોતરું આયોજન કરવાનું પ્રસંશનીય કામગીરી હાથધરી છે. કોરોના વાઇરસ સામે સમગ્ર દુનિયાનાં દેશો ઝઝુમી રહ્યાં છે ત્યારે ગુજરાતભરમાં પણ આ અંગે પગલાં ભરવામાં આવી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં પણ આરોગ્ય તંત્ર સાબડું બન્યું છે ત્યારે પાલેજ ગ્રામ પંચાયત પણ પાછળ નથી. આજરોજ પાલેજ ગ્રામ પંચાયતના તમામ કર્મચારીઓને સેનિટાઈઝરની સુવિધા ઉપલબ્ધ કરાવી હાથ સફાઈની તકેદારી રાખવા અનુરોધ કરવામાં આવ્યો હતો ઉપરાંત પંચાયતમાં આવનાર અરજદારોને માસ્ક વહેંચવામાં આવ્યા હતાં.
પાલેજ નગરમાં સ્વચ્છતા રાખવાની તકેદારીના પગલે સમગ્ર બજાર ગામમાં ડી.ડી.ટી પાવડરનો છંટકાવ કરવાનો અને ફોગીંગ મશીન વડે દવાનો છટકાવ કરવાનો પોગ્રામ શરૂ કર્યો હતો. ગામમાં પીવાના પાણીની ટાંકીઓમાં ક્લોરીન નાખવામાં આવી રહ્યું છે અને કોરોના વાઇરસ સામે લોક જાગૃતિ માટેનાં પગલાં તરીકે પત્રિકાઓ છપાવી વહેંચવામાં આવી હતી જેમાં લોકોને તકેદારીના જરૂરી પગલાં જેવા કે સાબુથી હાથ ધોવા,જાહેરમાં થૂંકવું નહિ,ગામમાં ગંદકી કરવી નહીં,ગરમ પાણી પીવું, મોઢા ઉપર માસ્ક અથવા રૂમાલ બાંધી બહાર ફરવું, તાવ ખાંસી છીંક આવે તો ડોક્ટર પાસે તપાસ કરાવી, ખોરાકમાં લીંબુનો ઉપયોગ કરવો વગેરે પત્રિકામાં છપાવી લોકોને વહેંચણી કરવામાં આવી હતી.
ઇમરાન ઐયુબ મોદી-પાલેજ