મોટામિયાં માંગરોળની ઐતિહાસિક ગાદી સાથે સંકળાયેલા મહાન સૂફી સંત હજરત ખ્વાજા બદરુદ્દીન ચિશ્તી (ર.હ) નો ઉર્સ મેળો મોટામિયા માંગરોળની ગાદીના હાલના ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી અને તેમના સુપુત્ર- ઉત્તરાધિકારી ડો. મતાઉદ્દીન ચિશ્તીની ઉપસ્થિતિમાં કડી મુકામે પરંપરા અનુસાર ધુળેટીના દિવસે યોજાયો હતો. ઉર્સના પ્રારંભમા કડી તીનબત્તી ખાતે હિન્દુ – મુસ્લિમ ભાઈઓ દ્વારા વર્તમાન ગાદીપતિનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, સાંજના સમયે ખ્વાજા મોટામિયાં ચિશ્તી હવેલીથી ઝુલૂસ નીકળ્યા બાદ ખ્વાજા બદરુદ્દીન ચિશ્તી (રહ.)ની દરગાહ ઉપર પહોંચ્યા બાદ ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ચિશ્તીના હસ્તે સંદલ શરીફની વિધિનો આરંભ થયો હતો. ધુળેટીના વિશેષ દિવસે ભાઈચારા, કોમી એકતા માટે પણ ખાસ દુઆ કરવામાં આવી હતી.આ કાર્યક્રમ દરમ્યાન ઉપસ્થિત જન મેદનીને સંબોધતા ડો. મતાઉદ્દીન ચિશ્તીએ જણાવ્યું હતું કે સૌ મોટામિયાં માંગરોળની ગાદીના રુહાની તારથી જોડાયેલા છીએ, આજનો દિવસ જોડાણને વધુ મજબુત કરવાનો છે, તેમણે એકબીજાને સમજી, સંગઠિત રહી રુહાની પ્રગતિ કરવા જણાવી વ્યસન મુક્ત થવા અનુરોધ કર્યો હતો.આ ઉર્સમાં દક્ષિણ, ઉત્તર, મધ્ય ગુજરાત તેમજ વિદેશથી પધારેલા મહેમાનોની જંગી મેદની ઉમટી પડી હતી. આ ઉર્સની ઉજવણીને કડુજી ઇસ્માઇલ ભાઇ, અબ્દુલ કાદર પટેલ સેલાવાળા, અલીમહંમદભાઇ, આદમભાઇ, રઉફભાઈ, તૌફિકભાઇ તેમજ અન્ય સેવાભાવી સજ્જનો સહિત સમસ્ત કડીવાલા સમાજ દ્વારા પ્રશંસનીય સેવા પુરી પાડી સુંદર આયોજન કરી સફળ બનાવવામાં આવી હતી. વિવિધ કોમી એકતાના કલામો અને ભજનો પણ રજૂ કરવામાં આવ્યાં હતાં.
પાલેજ : કડી ખાતે ખ્વાજા બદરુદ્દીન ચિશ્તીનો ભવ્ય ઉર્સ ઉજવાયો.
Advertisement