પાલેજ-વલણ રોડ ઉપર આવેલ બ્લુમુન ઇન્ટરનેશનલ સ્કૂલમાં શનિવારના રોજ ઈબાદત તેહજીબકી એટલે કે બાળકોમાં સંસ્કારોનું સિંચન કઈ રીતે કરવું તથા બાળઉછેરમાં કઈ બાબતોનું ધ્યાન રાખવુ માટે મધર માટેના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રાથમિક વિભાગ તથા ધોરણ-૧ અને ૨ ના વિદ્યાર્થીઓ તથા તેમની માતાએ મધર વર્કશોપમાં મોટા પ્રમાણમાં ભાગ લીધો હતો. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે વલણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર તસવવુર રાઠોડ હતા જેમના દ્વારા માતાએ બાળકને પૌષ્ટિક આહાર મળી રહે તેની ખાસ કાળજી રાખવી તથા તંદુરસ્ત બાળક સ્પર્ધાના આ યુગમાં તંદુરસ્ત સ્પર્ધા સરળતાથી કરી શકશે તે અંગે રસપ્રદ માહિતી આપી હતી. સાથે સાથે કિશોરીઓ તથા તરુણોમાં સમય પ્રમાણે થતા શારીરિક અને માનસિક ફેરફારને ધ્યાનમાં રાખી તેમની સાથે કઈ રીતે વર્તન કરવું તેના પર પણ પ્રકાશ પાડ્યો હતો.
શાળાના ચેરમેન ઇદ્રીશ મેમણ દ્વારા બાળકને પૂરતો સમય આપી માતા ફ્રેન્ડ ફિલોસોફર એન્ડ ગાઈડ ની ભૂમિકા ભજવી બાળકમાં સંસ્કારોનું સિંચન કરવામાં ખુબ મોટુ યોગદાન આપી શકે તેમ છે તે બાબતની વિસ્તૃત સમજણ આપી હતી. આ ઉપરાંત આચાર્ય ઉમા સિંહે પણ આવનાર તમામ માતાઓનો આભાર વ્યક્ત કરી સાથે સાથે બાળકના સર્વાંગી વિકાસમાં માતાની ભૂમિકા કેટલી અગત્યની છે તેની સરળ અને મિતભાષી શબ્દોમાં સમજ આપી હતી. કાર્યક્રમ માં વિવિધ રમતો જેવીકે ફુગ્ગા ફોડ, પગે દોરી બાંધી દોડવાની રમતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માતાઓ હર્ષ સાથે સહભાગી થઇ હતી. વિજેતા માતાઓને શાળાના કો-ઓર્ડીનેટર પ્રીતિબેન તથા અનિતાબેનના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા ફિરદોશબેન તથા મોહસીનાબહેને કર્યું હતું. શાળાના શિક્ષક સ્ટાફ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા ખડા પગે રહી યોગદાન આપ્યું હતું.
ઇમરાન ઐયુબ મોદી- પાલેજ