ઇમરાન ઐયુબ મોદી- પાલેજ
પાલેજ નગરમાં શુક્રવારની બપોરે ભારે પવન સાથે વરસાદના આગમન ના પગલે પાલેજ બઝારમાં આવેલ નવરાત્રીના મંડપ હવાના દબાણ માં ધરસાઈ થઈ જવા પામ્યો હતો. ચાલુ વર્ષે મેઘરાજા હજુ વિદાય લેવાના મુડમાં હોય એમ લાગતું નથી.આસો માસ બેસી ગયો હોવા છતાં હજુ પણ વરસાદ વરસી રહ્યો છે. વડવાઓની કહેવત હતી કે આસો ને મેઘ લઇને નાસો તે કહેવત હવે ખોટી પુરવાર થઇ રહી હોય એમ લાગી મળી રહ્યું છે. નવરાત્રીના પ્રથમ દિવસે વરસાદ વરસ્યા બાદ શુક્રવારના રોજ ભરૂચ જિલ્લાના પાલેજ નગરમાં બપોરના સમયે પુન: ધોધમાર વરસાદ ખાબકતા વાતાવરણ અાહલાદક બની જવા પામ્યું હતું.
આસોમાં અસલ અષાઢી મિજાજ પાલેજના નગરજનોને શુક્રવારના રોજ જોવા મળ્યો હતો. બપોરના સમયે અચાનક અાકાશમાં કાળા ડિબાંગ વાદળોએ ચડી આવી અને જોતજોતમાં મેઘરાજાએ ધબડાટી બોલાવી હતી. ભારે વરસાદને પગલે નગરના મુખ્ય બજારમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદને પગલે નવરાત્રી મહોત્સવ માટે બાંધેલો મંડપ પણ ધરાશાયી થઇ જવા પામ્યો હતો. પાલેજ નજીક આવેલા હલદરવા ગામમાં એક વડનું વૃક્ષ ધરાશાયી થઇ ગયું હતું. ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદ ખાબકવાના અહેવાલ સાંપડ્યા છે. ચોમાસાએ વિદાય લેતા ફરી આક્રમક તેવર બતાવતા નગરજનો પણ અચંબિત થઇ ગયા હતા.