ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત મદની હૉલમાં શોહદાએ કરબલાની યાદમાં બયાનનો કાર્યક્રમ યોજાયો હતો. આજથી ૧૪૪૪ વર્ષ પહેલાં કરબલાના તપતા રણમાં સત્યના કાજે હજરત ઇમામ હુસૈન, હજરત ઇમામ હસન અને તેઓના ૭૨ જાંનિસાર સાથીઓએ અસત્ય સામે જંગ છેડ્યો હતો. પોતાના અમૂલ્ય પ્રાણની કુરબાની આપી અસત્ય સામે શીશ ઝુકાવી ભુખ અને તરસની પરવા કર્યા વિના દસ દિવસ સુધી લડત આપી હતી. આજે સદીઓ વીતવા છતાં વિશ્વભરના મુસ્લિમ સમાજના લોકો તેઓની યાદ મનાવે છે.
આયોજિત કાર્યક્રમમાં મક્કા મસ્જિદના ખતિબો ઇમામ મૌલાના મોહમ્મદ અશરફીએ હજરત ઇમામ હુસેન તેમજ હજરત ઇમામ હસનના જીવન ચરિત્ર વિશે રસપ્રદ ચોટદાર માહિતી હાજરજનોને આપી હતી. હજરત ઇમામ હુસેન અને ઇમામ હસને ઇસ્લામને બચાવવા માટે જે બલિદાન આપ્યું એના વિશે વિસ્તૃત છણાવટ સાથે માહિતી આપી હતી. આયોજિત કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો ઉમટી પડ્યા હતા. અંતમાં સલાતો સ્લામના પઠન અને દુઆ સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું.