વર્ષ ૨૦૨૨ માં પવિત્ર મક્કા શરીફની હજયાત્રાએ જઈ રહેલા ભાગ્યશાળી હજ યાત્રીઓ માટે ભરૂચના પાલેજ સ્થિત મદની હૉલ ખાતે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ પાલેજ બ્રાન્ચ દ્વારા હજ તાલીમ શિબિર યોજાઇ હતી. આયોજિત હજ તાલીમ શિબિરમાં પાલેજ સહિત આસપાસના ગામોના પવિત્ર મક્કા શરીફની હજયાત્રાએ જઈ રહેલા હજયાત્રીઓ એ ભાગ લીધો હતો. કાર્યક્રમનો પ્રારંભ તિલાવતે કુરાન શરીફથી કરાયો હતો. ત્યારબાદ નામાંકિત નાઅત ખ્વા દ્વારા નાઅત શરીફના સુંદર ગુલદસ્તા રજૂ કરી હાજરજનોના હૈયા ડોલાવ્યા હતા.
ત્યારબાદ મૌલાના હસન અશરફી દ્વારા હજના તમામ અરકાનોની વિસ્તૃત છણાવટ સાથે હજયાત્રીઓને માહિતી પુરી પાડી હતી. સલાતો સલામના તેમજ દુઆ સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું. શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા હજયાત્રીઓની હજયાત્રા સફળ અને સુખમય નીવડે એ માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આયોજકો દ્વારા હજ તાલીમ શિબિરમાં ભાગ લેનાર હજયાત્રીઓ માટે ભોજનની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમને શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટના હાજી ફારૂકભાઈ લાંગીયા, મૌલાના હસન અશરફી, રઈશ શેખ (વકીલ), ઇકબાલ ટેલર તેમજ સદસ્યોએ ખૂબ સારી જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો.