ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો હતો. ચૂંટણીપંચ દ્વારા હાલમાં ચાર તબક્કામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ આયોજિત થયેલ છે. જે અંતર્ગત ભરૂચ જિલ્લામાં પણ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ થયો છે. રવિવારના રોજ આયોજિત મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં પાલેજ ખાતે આવેલી હાઇસ્કૂલ, ગુજરાતી શાળા, કન્યાશાળા તેમજ નવીનગરી સ્થિત શાળા ખાતે આવેલા મતદાન બુથ પર મતદાર યાદી સુધારણાની કામગીરી કરાઇ હતી.
નગરના વિવિધ મતદાન બુથ પર BLO ની હાજરીમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મતદાર યાદીમાં મતદારોએ પોતાના નામની ચકાસણી, નામ કમી કરાવવા, નામ સુધારવા તેમજ જે યુવાનો ૧૮ માં વર્ષમાં પ્રવેશ્યા હોય એ યુવાનો પોતાના નામ મતદાર યાદીમાં નોંધણી કરાવતા નજરે પડ્યા હતા. મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં નગરના મતદારોએ ખૂબ સારી જાગૃતિ દર્શાવી હતી. તો નગરના વિવિધ મતદાન બુથ પર હાજર BLO એ પણ મતદારોને જરૂરી માર્ગદર્શન આપી પોતાની ફરજ નિભાવી હતી.
યાકુબ પટેલ : પાલેજ