પાલેજ બેંક ઓફ બરોડાનું એ.ટી.એમ મશીન તેમજ પાસબુકનું એન્ટ્રી મશીન વારંવાર ખોટકાઈ રહ્યું છે. એક તરફ બેંકો ઉપર લાંબી લાઈનો થઈ રહી છે તો બીજી તરફ બેંક દ્વારા નિષ્કાળજી વર્તતા બંધ થયેલા મશીનોને પુનઃ કાર્યરત કરવામાં આંખ આડા કાન કરી રહ્યું છે. કોરોના વાયરસ બીમારીનાં પગલે બેન્કિંગ સેક્ટર દ્વારા પણ સોશ્યિલ ડિસ્ટનસિંગનું ગ્રાહકો પાસે સખત પાલન કરવામાં આવી રહ્યું છે. વહેલી સવારે બેંક ખુલતા પહેલા જ બેંકની બહાર પૈસા ઉપાડવા તેમજ જમા કરાવવા માટે ગ્રાહકોની લાંબી લાઈન થઈ જવા પામે છે,અહીં પાલેજ બેંક ઓફ બરોડા ખાતે પૈસા જમા કરવા તેમજ ઉપાડવા માટે એ.ટી.એમ.ની સુવિધા ઉપલબ્ધ છે તેમજ પાસબુકની એન્ટ્રી માટે પણ મશીનની સેવા છે પરંતુ ગ્રાહકો તેના લાભથી વંચિત રહી રહ્યા છે, મશીન એક વખત ખોટકાઈ ગયા બાદ બેંકનાં અધિકારીઓ દ્વારા પુનઃ કાર્યરત કરવા દરકાર ના લેતા બેંક બહાર લાઈનોમાં ગ્રાહકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. કેટલીક વખત ભાડે ભીડના પગલે સોશ્યિલ ડિસ્ટનસિંગની ધજાગરા ઉડી જવા પામે છે જે બેંક કર્મચારી અને ગ્રાહક બંને માટે ખતરનાક સાબિત થઈ શકે એમ છે. જો અધિકારીઓ પૂરતું ધ્યાન આપી બેંકના એ.ટી.એમ તેમજ પાસબુકનાં મશીન કાર્યરત કરાવે તો ભીડ ઉપર ખાસો એવો કાબુ મેળવી શકાય એમ છે ઉપરાંત ધગધગતા તાપમાં કલાકો લાઈનોમાં ઉભા રહેવામાંથી પણ ગ્રાહકોને રાહત મળી રહે એમ છે.
ઇમરાન ઐયુબ મોદી-પાલેજ