પાલેજ બેંક રોડ વિસ્તારમાં આવેલી સાલેહ શોપિંગના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલ ગિફ્ટ સેન્ટરની દુકાનમાં શોર્ટ સર્કિટનાં કારણે અચાનક આગ લાગતા લાખો રૂપિયાનો માલ બળીને ખાખ થઈ જવા પામ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર પાલેજ બજાર પાછળ આવેલ સાલેહ સુપર માર્કેટનાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રવિવારે બપોરે અચાનક આગ લાગતા ગુલનાઝ ગિફ્ટ સેન્ટરની દુકાનને ભારે નુકશાન થવા પામ્યું હતું. રવિવારે બપોરે ત્રણ વાગ્યા અરસામાં એકાએક આગ સાથે ધુમાડાનાં ગોટે ગોટા બહાર નીકળતાં ધનજીશાજીન વિસ્તારમાંમાંથી યુવાનો દોડી આવ્યા હતાં. જેઓએ તંત્રને જાણ કરી ઇલેક્ટ્રિસિટી બંધ કરાવી પાણીની ડોલો લઇ આગ ઉપર કાબુ મેળવવા ખૂબ મેહનત કરી હતી, ઘટનાની જાણ પોલીસ તેમજ વીજળી બોર્ડને કરી હતી.પ્રથમ વીજ સપ્લાય બંધ કરી બાજુનાં શોપિંગના ઇન્વેર્ટર મારફતે પાણીની મોટર ચાલુ કરી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો.
દરમિયાન ગ્રામ પંચાયતે પણ પાણીનાં બે ટેન્કર ઘટના સ્થળ ઉપર પહોંચાડ્યા હતા. પાલેજમાં શોપિંગ સેન્ટરમાં લાગેલી આગ દોઢ કલાક જેવાં સમયમાં પાલેજમાંથી દોડી આવેલાં યુવાનોની મદદથી કાબુમાં આવી હતી. દુકાનમાં શોર્ટ સર્કિટનાં કારણે આગ લાગી હોવાનું ગુલનાજ ગિફ્ટ સેન્ટરનાં માલિકે પ્રાથમિક તારણ દર્શાવ્યું હતું.
ઇમરાન ઐયુબ મોદી-પાલેજ