પાલનપુરમાં એક નિર્માણાધિન બ્રિજ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. બ્રિજના સ્લેબનો એક ભાગ ધરાશાયી થતા રિક્ષા અને ટ્રેકટર દટાઈ ગયા હતા. સદનીસબે નીચે કોઈ વ્યકિત હાજર ન હોવાથી જાનહાનિ ટળી હતી.
પ્રાપ્ત વિગતો પ્રમાણે બનાસકાંઠાના પાલનપુરમાં આરટીઓ સર્કલ પાસે નિર્માણાધીન ફ્લાય ઓવરબ્રિજનો ઉપયોગ શરૂ થાય તે પહેલા ધરાશાયી થતા કામગીરીને લઈ સવાલો ઉઠ્યા છે. ઓવરબ્રિજના સ્લેબનો ભાગ ધરાશાયી થયાની જાણ થતા જ બનાસકાંઠા કલેકટર અને ASP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો છે. ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી. ઉલ્લેખનીય છે કે, આજથી આઠેક મહિના પહેલાં અમરેલીમાંથી પસાર થતાં ભાવનગર-સોમનાથ હાઈવે પર રાજુલાના દાતરડી ગામ પાસેનો બ્રિજ સંપૂર્ણ બને તે પહેલાં જ તેનો સ્લેબ ધરાશાયી થયો હતો. જે તે સમયે આ બ્રિજ ધરાશાયી થયા બાદ એજન્સી દ્વારા કાટમાળ પણ ખસેડી લેવામાં આવ્યો હતો.