ડીસામાં વૃધ્ધાને રાત્રે કચરાના ઢગલામાં મુકી ફરાર થઈ ગયો હતો. હિંદુ યુવા સંગઠન દ્વારા બચાવી લઇ ડીસા અને ત્યાંથી પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. ડીસા અને પાલનપુરના સેવાભાવી યુવાનોના આ માનવતાભર્યા કાર્યની સરાહના થઇ રહી છે.કળીયુગમાં ઘરડા માવતરની સાર સંભાળ લેવાના બદલે તેમનો તિરસ્કાર કરવામાં આવી રહ્યો છે.
આવો જ કિસ્સો ડીસામાં બહાર આવ્યો છે. આ અંગે ડીસા હિંદુ યુવા સંગઠનના પ્રમુખ નિતિનભાઇ સોનીએ જણાવ્યું હતુ કે, ડીસાના હવાઇ પિલ્લર વિસ્તારમાં નવા બગીચા નજીક કચરાના ઢગલામાં કોઇ વૃધ્ધાને તેના પરિવારજનો બે દિવસ અગાઉ રિક્ષામાં મુકીને જતા રહ્યા હોવાની જાણ થતાં ટીમના મિત્રો સાથે ત્યાં પહોચ્યા હતા.
જ્યાં તેમનું નામ પુછતાં કમળાબેન બાબુભાઇ જણાવ્યું હતુ.કણસતી હાલતમાં માજીને એમ્બ્યુલન્સ દ્વારા ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે પાલનપુર મોકલ્યા હતા. પાલનપુર જન સેવા એજ પ્રભુ સેવા સંસ્થાના જયેશભાઇ સોની, નરેશભાઇ સોનીએ આ માજીને ટ્રોમા સેન્ટરમાં દાખલ કરાવી સારવારની સઘળી જવાબદારી ઉઠાવી હતી. આ અંગે નિતિનભાઇ સોનીએ જણાવ્યું કે, વૃધ્ધાના પરિવારજનોની શોધખોળ કરવા માટે અમો પ્રયત્નશિલ છીએ. આ અંગે સોમવારે સમાજ કલ્યાણ વિભાગ સહિત પોલીસને જાણ કરાશે.