વડોદરા જિલ્લાના પાદરાના જાસપુર રોડ આવેલી એનિમલ ફીડ સપ્લીમેન્ટ બનાવતી કંપનીમાં એકાએક ભીષણ આગ લાગી હતી. આગના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે ભીષણ આગના પગલે કંપનીને મોટું નુકસાન પહોંચ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
પાદરાના જાસપુર રોડ પર એનિમલ ફીડ સપ્લીમેન્ટ બનાવતા ન્યૂટ્રી બાયો સોલ્યુશન લિમિટેડ કંપની આવેલી છે. આ કંપનીમાં એકાએક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઇ હતી. બનાવની જાણ ફાયર વિભાગની ટીમને કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો.
આ કંપનીમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે મહુવડના ફાયર ફાઇટર અને વડોદરાના મકરપુરાના ફાયર ફાઇટરને પણ આગ બુઝાવવા માટે બોલાવવાની ફરજ પડી હતી. ભારે જહેમત બાદ આ ભીષણ આગ પર કાબુ મેળવી શકાયો હતો. એનિમલ ફીડ સપ્લીમેન્ટ બનાવતી ન્યુટ્રી બાયો સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આવેલી એનિમલ ફાર્મા ડિપાર્ટમેન્ટમા કેવી રીતે ભીષણ આગ લાગી તેનું કારણ હજુ અકબંધ છે. આગના પગલે કંપનીમાં ભારે નુકસાન થયું હોવાની આશંકાઓ સેવાઈ રહી છે. ઘટના પગલે પાદરા પોલીસ તથા મામલતદાર કચેરીના અધિકારીઓએ વધુ તપાસ હાથ ધરી છે.