Proud of Gujarat
GujaratFeaturedINDIA

પાદરા તાલુકાની જલાલપુર ગ્રામ સ્વરાજ વિદ્યાલયના આચાર્યનું અનોખું અભિયાન.

Share

પાદરા તાલુકાની એક ઉત્તર બુનિયાદી શાળાના આચાર્યએ કરેલા પ્રેમથી જતન અને સિંચનના પરિણામે આંબાઓનું એક નાનું ઉપવન સર્જાયું છે. છેલ્લા પાંચ વર્ષની લાગલગાટ મહેનત અને પ્રકૃતિ પ્રત્યેના પ્રેમના કારણે આચાર્યએ શાળાની જમીનમાં વાવેલા આંબાઓ પૂરબહારમાં ખીલી ઉઠવાની સાથે શાળાને પગભર બનાવવા તરફ પણ લઈ જવા મક્કમ કદમ ઉઠાવ્યા છે.

આજે આપણે એક એવી સરકારી શાળાની વાત કરવા જઈ રહ્યા છે જે શાળાના આચાર્યના ઉપાય થકી શાળામાં આંબાઓનું એક ઉપવન ઉભું કરવામાં આવ્યું છે. વડોદરા શહેરથી ત્રીસેક કિલોમીટર દૂર પાદરા તાલુકાના જલાલપુરની ગ્રામ સ્વરાજ ઉત્તર બુનિયાદી વિદ્યાલયના આચાર્ય રમણભાઈ લીંબચિયા વિદ્યાર્થીઓને કોઈ પણ ભૌતિક સુવિધાઓનો અભાવ ન રહે તે માટે શાળાને આત્મનિર્ભર બનાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે. આચાર્ય રમણભાઈ લીંબાચિયા અને ગ્રામ સ્વરાજ મંડળના સહયોગથી શાળા પ્રકૃતિનું જતન કરી શકે અને આત્મનિર્ભર બને તે માટે ૫૨૫ જેટલા કેસર આંબાની કલમો વાવવામાં આવી છે. હરિયાળું આંબાવાડિયું ઉભુ કરવાની સાથે પ્રકૃતિનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવી રહ્યું છે.

આંબાવાડી બનાવવાની શરૂઆત વિદ્યાર્થીઓ પાસે અલગ-અલગ છોડ રોપાવીને તેના ઉછેર થકી નર્સરી તૈયાર કરાવવાથી થઈ હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓને ઉગાડેલા છોડ પોતાના ઘરની આસપાસની જગ્યા પર વૃક્ષારોપણ માટે આપવામાં આવતા હતા. એના પછી શાળાના આચાર્યને વિચાર આવ્યો કે વૃક્ષારોપણ તો કરી જ રહ્યા છે, તો શાકભાજી કે ફળફળાદી કેમ નહીં..!!?

Advertisement

આચાર્ય લિંબાચિયાની સૂઝબૂઝ અને દીર્ઘદ્રષ્ટિ થકી શાળા દ્વારા આંબાની કલમના વાવેતરનો વિચાર ગ્રામ સ્વરાજ મંડળ સમક્ષ મૂકવામાં આવ્યો, પરંતુ આંબાવાડી ઉભુ કરવા માટે એક કલમ દીઠ રૂ.૨૫૦-૩૦૦ ની રકમ અને તેની માવજત ખર્ચ માટેના નાણાકીય ભંડોળની અછત હતી. પરંતુ રમણભાઈએ પોતાની શાળાના ઉત્કર્ષ માટેના એ વિચાર પર પૂર્ણવિરામ ન મૂકતા વિવિધ ખાનગી સંસ્થાઓ સમક્ષ રજૂઆત કરી હતી. આ અભિયાનમાં શાળાના ટ્રસ્ટીમંડળના સુખસ્વરૂપભાઈ પટેલ અને દિલીપભાઈ પટેલ સહિતના ટ્રસ્ટીઓનો સહયોગ મળ્યો.

શાળાની આર્થિક સ્થિતિ વિકસાવીને વિદ્યાર્થીઓને તમામ સુવિધાઓ આપી શકાય તે માટે ગ્રામ સ્વરાજ ઉત્તર બુનીયાદી વિદ્યાલયને આચાર્યશ્રી રમણભાઈની રજૂઆતથી સકારાત્મક પ્રતિભાવ આપી પાદરાની સ્થાનિક ખાનગી કંપનીઓના કોર્પોરેટ સોશિયલ રીસ્પોન્સીબ્લિટી માટે ભંડોળની સખાવતી ગ્રાન્ટના ઉપયોગ થકી દરવર્ષે રૂ.૨૫૦ ના એક એવી ૧૦૦ આંબાની કલમો આપવામાં આવી. છેલ્લા પાંચ વર્ષથી તે ખાનગી કંપની આ રીતે ૧૦૦ આંબાની કલમ આપે છે તે સાથે સિંચાઇ માટે ટપક સિંચાય માટેનો પ્લાન્ટ પણ આપવામાં આવેલ છે. મળેલ કુલ કલમ રોપવામાં આવી અને તેની યોગ્ય માવજત બાદ હાલમાં કુલ ૫૨૫ જેટલા આંબાનું ઉપવનનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આચાર્ય રમણભાઈએ જણાવ્યું કે, આંબાની કલમો સાથે લીલા શાકભાજી તેમજ ફળફળાદીનું પણ વાવેતર કરવામાં આવે છે. ચોળી, વાલોળ, પાપડી અને તુવેર જેવા શાકભાજી તેમજ બોર અને સેતુર જેવા ફળોની પણ ખેતી કરવામાં આવી છે. છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓ માટે શાકભાજી અને ફળોનો ઉપયોગ કરવામાં આવે છે અને બજારમાં પણ વેચવામાં આવે છે. આ શાકભાજી અને ફળોના વેચાણમાંથી મળતી રકમનો ઉપયોગ શાળા તથા છાત્રાલયના વિધાર્થીઓની સુવિધા અને સુખાકારી માટે થાય છે.

આત્મનિર્ભરતા વિશે સવિશેષ ધ્યાન દોરતાં આચાર્યએ જણાવ્યું કે, ભારત ખેતીપ્રધાન દેશ છે અને દેશને આત્મનિર્ભર બનાવવા માટે કૃષિ તરફ વળવું જરૂરી છે. જેમ કૃષિ દ્વારા એક શાળા આત્મનિર્ભર બની રહી છે, તેમ વિવિધ સંસ્થાઓએ પણ આ રીતે આગળ આવીને પ્રકૃતિ અને પર્યાવરણનું જતન કરીને ટકાઉ વિકાસ તરફ આગળ વધવું જોઈએ.

અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી લીંબાચિયા વર્ષ-૨૦૦૨થી આ શાળાના આચાર્ય તરીકે કાર્યરત છે. વધુમાં વર્ષ ૨૦૧૩ માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ આચાર્ય એવોર્ડ-૨૦૧૩, સ્વપ્નશિલ્પી એવોર્ડ-૨૦૧૩ તથા શાળાને શ્રેષ્ઠ શાળા એવોર્ડ-૨૦૧૩ની સાથે સેકડો સન્માનપત્રો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓ ઈચ્છે છે કે પોતે તો આવનાર ૨ વર્ષ બાદ સેવા નિવૃત્ત થશે પરંતુ તેમને રોપેલ બીજના ફળ દાયકાઓ સુધી વિદ્યાર્થીઓને મળતા રહેશે.

ગ્રામ સ્વરાજ વિદ્યાલય (ઉત્તર બુનિયાદી) વિદ્યાલય વિદ્યાર્થીઓને શાળામાં કોદાળીથી લઈને કલમ સુધીનું બધું જ્ઞાન આપી રહી છે. આચાર્યશ્રી તથા શિક્ષકો દ્વારા અઠવાડિયામાં બે વાર કૃષિવિષયક પ્રાયોગિક સમજૂતી પણ આપવામાં આવે છે. એક બીજ છોડ બનીને ઘટાદાર વૃક્ષ કેવી રીતે બને છે તેની સાથે નિંદામણ, અલગ અલગ વનસ્પતિની ઓળખ અને તેના ઉપયોગની પણ સમજ આપવામાં આવી રહી છે. અઠવાડિયામાં ૨ વાર વિદ્યાર્થીઓ પોતે આ આંબાવાડીની મુલાકાત લે છે અને જરૂરી કૃષિ વિષયક પ્રાયોગિક કામગીરી કરે છે.

ટકાઉ વિકાસ અને પર્યાવરણના જતન તરફ આગળ વધતી દુનિયાને જલાલપુરા જેવા એક અંતરિયાળ ગામની સરકારી શાળાના આચાર્ય દ્વારા પર્યાવરણ પ્રેમ અને આત્મનિર્ભરતા માટે લેવાયેલું એક નાનું પરંતુ મહત્વનું પગલું એક ઉમદા દ્રષ્ટાંત બની જાય છે.


Share

Related posts

તરોપા રાજપીપળા વચ્ચે કુંવરપરા નજીકની રેલ્વે ફાટક રિપેરિંગ માટે બે દિવસ બંધ રહેશે.

ProudOfGujarat

રક્ષાબંધન અને બકરી ઈદનાં પર્વને ગણતરીનો સમય બાકી તેમ છતાં ભરૂચ જીલ્લાનાં બજારો સૂમસામ.

ProudOfGujarat

આતંકી હુમલામાં શહીદ થયેલાં જવાનોને પાલેજ ખાતે સોની મહાજનો એ અંજલિ આપી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!