પોરબંદરના પક્ષી અભ્યારણ્ય પાસે દોઢ કરોડના ખર્ચે સ્વીમીંગ પુલ બનાવવાની કામગીરી શરૂ થયા બાદ એ જગ્યાએ જમીનમાંથી પાણી નીકળતું હોવાથી નગરપાલિકાએ ચાર વર્ષ પહેલા એ પ્લાન રદ કર્યો હતો ત્યારે આ સ્થળે દિવાલ ચણીને અડધામાં ખાડો ખોદાઈ ગયો હોવાથી ત્યાં બગીચો બનાવવો જોઈએ તેવી માંગણી કોંગ્રેસ દ્વારા થઇ છે.
પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સિનિયર આગેવાન રામદેવભાઈ મોઢવાડીયાએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, પોરબંદરના છાયાચોકી નજીક નગરપાલિકાના તંત્રએ કેટલાક વર્ષ પહેલા સ્વીમીંગપુલ બનાવવાનું આયોજન હાથ ધર્યું હતું. પોરબંદરના તરવૈયાઓની ૧૫ વર્ષ જુની માંગણી સંતોષવા માટે દોઢ કરોડથી વધુની રકમ ફાળવાઈ હતી અને ત્યાં ત્રણ બાજુ દિવાલ ચણી દીધા બાદ ખાડો ખોદવાની કામગીરી હાથ ધરાઈ ત્યારે નજીકના પક્ષી અભ્યારણ્યના રણના પાણીના કારણે ચાર-પાંચ ફૂટે જ પાણી બહાર આવી જતું હોવાથી નગરપાલિકાના તંત્રએ સ્વર્ચીમીંગ પુલનો પ્લાન રદ કરીને તેની રકમમાંથી રોડ બનાવવાની કામગીરી હાથ ધરી હતી. આથી હવે આ જગ્યા બિનઉપયોગી બની ગઈ છે, સ્વીમીંગ પુલ પણ બનવાનો નથી તેથી આજુબાજુના રહેવાસીઓ દ્વારા એવી માંગણી કરવામાં આવી છે કે, આ સ્થળનો સદુપયોગ થાય તે માટે નગરપાલિકાના તંત્રએ અથવા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બગીચો બનાવી દેવો જોઈએ.
તંત્ર દ્વારા અગાઉ પોરબંદરના જુદાજુદા વિસ્તારોમાં બાગબગીચા બનાવવા માટેની તૈયારી બતાવી હતી અને દરેક વોર્ડમાં જ્યાં ખાલી ચોક હોય એ સ્થળે બાળમનોરંજનના સાધનો ફીટ કરી આપવા માટે ગ્રાન્ટ ફાળવવા પણ ખાત્રી આપી હતી. ત્યારે પોરબંદરની વી.જે. મોઢા કોલેજ સામે સ્વીમીંગ પુલ બનાવવાનો હતો તે સ્થળે ખૂબ જ મોટી જગ્યા આવેલી હોય ત્યાં બગીચો બનાવવો જોઈએ. જરૂર જણાય તો સામાજીક સંસ્થાઓનો સહયોગ લઈને પણ અહીંયા બાગબગીચો બનાવવાની કામગીરી હાથ ધરવી જોઈએ. ૧૫ થી ૨૦ ફૂટ જેટલી ઉંચી દિવાલ બનાવાઈ છે તેના અડધા પથ્થરો કાઢીને બગીચાની ફરતે દિવાલ પણ બની જાય તેમ છે. જમીનમાંથી પાણી નીકળે છે માટે આ વિસ્તાર ફળદ્રુપ હોવાથી બગીચો ઉછેરવામાં આવે તો સારામાં સારા વૃક્ષો અને ઘાસ ઉગી શકે તેમ છે. માટે નગરપાલિકાના તંત્રએ બગીચો બનાવી દેવો જોઈએ તેવી રજુઆત રામદેવભાઈ મોઢવાડીયા દ્વારા થઈ છે.