ઓડિશાના બાલાસોર જિલ્લાના બહાનાગા રેલવે સ્ટેશન નજીક ગઈકાલ સાંજે પેસેન્જર ટ્રેન કોરોમંડલ એક્સપ્રેસના ડબ્બા પાટા પરથી ઉતરી મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઓડિશાના મુખ્ય સચિવ પીકે જેના કહેવા પ્રમાણે આ અકસ્માતમાં કુલ 288 લોકોના મોત થયા છે જ્યારે 900 થી વધુ લોકો ઘાયલ થયા છે. આ સાથે ટ્રેનમાં હજુ કેટલાક મુસાફરો ફસાયેલા હોવાની આશંકા છે. આ સાથે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે એક દિવસીય રાજકીય શોકની જાહેરાત કરી છે.
ઓડિશાના બાલાસોર જિલ્લાના બહાનાગા રેલવે સ્ટેશન નજીક ગઈકાલ સાંજે પેસેન્જર ટ્રેન કોરોમંડલ એક્સપ્રેસના ડબ્બા પાટા પરથી ઉતરી મોટી દુર્ઘટના બાદ આજે તે રુટની 43 ટ્રેનો રદ કરવામાં આવી છે જ્યારે 38 ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે.
પીએમ નરેન્દ્ર મોદીએ ટ્રેન દુર્ઘટનાને લઈને સ્થિતિની સમીક્ષા કરવા માટે બેઠક બોલાવી છે. તેમજ સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે વડાપ્રધાન મોદી આજે સૌથી પહેલા બાલાસોરમાં દુર્ઘટના સ્થળની મુલાકાત લેશે અને ત્યાર બાદ તેઓ કટકની હોસ્પિટલની મુલાકાત લેશે.
બાલાસોર ટ્રેન દુર્ઘટના બાદ બચાવ કામગીરી માટે NDRF ના 7 યુનિટ, ODRAFના 5 યુનિટ અને 24 ફાયર વિભાગની ટીમ બચાવ કામગીરીમાં જોડાઈ છે. આ ઉપરાંત સ્થાનિક પોલીસ અને સ્વયંસેવકો પણ બચાવ કામગીરીમાં જોડાયા છે અને લગભગ 200 એમ્બ્યુલન્સને બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવી છે. તેમજ 45 મોબાઈલ હેલ્થ વિભાગની ટીમ તૈનાત કરવામાં આવી છે. આ સાથેઆ આશરે 50 વધુ ડોકટરો સારવારમાં રોકાયેલા છે.