સૌજન્ય/ન્યુયોર્ક: 2017માં હોલિવૂડ નિર્માતા હાર્વે વિન્સ્ટીન પર તમામ અભિનેત્રીઓએ જાતીય સતામણીના આરોપ લગાવ્યા હતા. તેની સાથે દુનિયામાં મી ટૂ કેમ્પેઈન શરૂ થઈ ગયું. એક પછી એક 920 મહિલાઓએ અવાજ ઉઠાવ્યો. મી ટૂ કેમ્પેનને ટાઈમ ઓફ ધ યર પણ પસંદ કરાયું. હવે મી ટૂનું વધુ એક મજબૂત ચિત્ર સામે આવ્યું છે. આ કેમ્પેઈનના કારણે કુલ 201 શક્તિશાળી પ્રતિભાઓનાં નામ સામે આવ્યાં છે જેમણે ક્યારેક ને ક્યારેક કોઈકનું જાતીય શોષણ કર્યું. આ 201માંથી 124એ તો તેમના પદેથી રાજીનામું આપવું પડ્યું. બધા કોઈ ને કોઈ મોટાં પદ પર હતા.
ખાસ વાત એ છે કે આ 124 રાજીનામાંઓના પગલે જે પદ ખાલી પડ્યાં તેમાંથી 54 પદો પર મહિલાઓ આવી. એટલે કે મી ટૂના કારણે ખાલી પડેલાં કુલ પદોમાંથી 44 ટકા પદો પર મહિલાઓ આવી. અન્ય 70 પદો પર પુરુષના બદલે પુરુષની નિમણૂક થઈ. મી ટૂ કેમ્પેઈનમાં 3 એવા કેસ પણ રહ્યા છે, જ્યારે કોઈ મહિલા પર પુરુષે જાતીય શોષણના આરોપ મૂક્યા છે. તેમાં કેલિફોર્નિયાની એસેમ્બલી વીમેન ક્રિસ્ટીના ગ્રેસિયા, કેન્સાસ સેનેટ ઉમેદવાર એન્ડ્રિયા અને અભિનેત્રી-ડિરેક્ટર એશિયા અર્જેન્ટોનો સમાવેશ થાય છે. એન્ડ્રિયા અને એશિયાની જગ્યાએ અત્યારે કોઈની પસંદગી થઈ નથી. આ આંકડામાં હાલ ભારતમાં મી ટૂ કેમ્પેઈનના કારણે પડેલાં રાજીનામાંનો સમાવેશ થતો નથી. દેશમાં અભિનેતા નાના પાટેકર પર અભિનેત્રી તનુશ્રી દત્તાના આરોપો સાથે જ મી ટૂ કેમ્પેઈને જોર પકડ્યું છે. કેમ્પેઈનમાં કેન્દ્રીય મંત્રી એમ.જે. અકબરનું નામ સામે આવ્યા બાદ તેમણે પદ પરથી રાજીનામું આપવું પડ્યું.