સૌજન્ય/નવી દિલ્હી: કેન્દ્રીય માહિતી પંચે વડાપ્રધાન કાર્યાલય પાસે એવો જવાબ માંગ્યો છે કે વિદેશોમાંથી કેટલું કાળું નાણું ભારતમાં પાછુ લાવવામાં આવ્યું છે અને તેમાંથી કેટલા રૂપિયા લોકોના ખાતામાં જમા કરાવવામાં આવ્યા છે. સરકાર પાસે એવો પણ જવાબ માગ્યો છે કે, મે-2014થી ઓગસ્ટ-2017 સુધી કેટલા કેન્દ્રીય મંત્રીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદો થઈ અને તેમની વિરુદ્ધ કઈ કાર્યવાહી કરવામાં આવી છે. મુખ્ય માહિતી કમિશનર આર.કે.માથુરે આઈએફએસ અધિકારી સંજીવ ચતુર્વેદીની અરજી પર પીએમઓને 15 દિવસમાં આ માહિતી આપવા આદેશ કર્યો છે.
IFS અધિકારીની અરજી પર કેન્દ્રીય માહિતી પંચનો આદેશ
ચતુર્વેદીએ એક આરટીઆઈમાં સરકાર પાસે 16 મુદ્દાઓ પર માહિતી માંગી હતી. કેન્દ્રીય મંત્રીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર સાથે સંકળાયેલી ફરિયાદો પર કરવામાં આવેલી કાર્યવાહી અને તપાસની વિગત પણ માંગવામાં આવી હતી. પરંતુ પીએમઓએ તેનો જવાબ આપવાનો ઈનકાર કરતાં કહ્યું હતું કે આ ખૂબજ જેનેરિક અને અસ્પષ્ટ સવાલ છે. જ્યારે કાળા નાણાં અંગેના સવાલોના જવાબ અાપવાનો પણ ઈનકાર કરતાં પીએમઓએ કહ્યું હતું કે, આ વાત આરટીઆઈની સેક્શન-2 (એફ) હેઠળ આવતી નથી. આ સેક્શનમાં કહેવામાં આવ્યું છે કે, આરટીઆઈ હેઠળ એજ વિગતો આપી શકીએ છીએ જે પેપર દસ્તાવેજ અથવા ઈલેક્ટ્રોનિક ફોરમમાં ઉપલબ્ધ હોય. સંતોષકારક જવાબ નહીં મળતા ચતુર્વેદીએ માહિતી પંચમાં અરજી કરી હતી.
મોદી સરકાર બન્યા પછી કેન્દ્રીય યોજનાઓના પ્રચાર-પ્રસાર પર અલગ અલગ માધ્યમોમાં કરાયેલા ખર્ચની વિગત પણ પીએમઓએ આપી નથી. હવે કેન્દ્રીય માહિતી પંચે કહ્યું છે કે, પાંચ દિવસની અંદર આ પ્રશ્ન માહિતી અને પ્રસારણ મંત્રાલયને મોકલવામાં આવે અને 15 દિવસમાં તેનો અરજદારને જવાબ આપવામાં આવે. ચતુર્વેદીએ પોતાની અરજીમાં મોદી સરકારની મેક ઈન ઈન્ડિયા, સ્કીલ ઈન્ડિયા, સ્વચ્છ ભારત અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ જેવી યોજના અંગે માહિતી માંગી છે.
વિદેશી બેન્કોમાં 90 લાખ કરોડનું કાળું નાણું
માર્ચ-2018માં એવો ઘટસ્ફોટ થયો હતો કે, સ્વિસ બેન્ક અને અન્ય વિદેશી બેન્કોમાં ભારતનું 1500 બિલિયન ડોલર (આશરે 90 લાખ કરોડનું)કાળું નાણું જમા છે. જેમાં દેશની અનેક હસ્તિઓના ખાતા હોવાનું બહાર આવ્યું હતું. પરંતુ હજુ સુધી તે અંગે કયા પગલા લેવાયા તે અંગેની કોઈ માહિતી બહાર આવી નથી.