ભરૂચ જિલ્લાના નેત્રંગ પંથકમાં આવેલ જવાહર બજાર તેમજ ગાંધી બજાર સહિતના આસપાસના વિસ્તારોમાં વસતા લોકો પોતાની પ્રાથમિક સુવિધાથી વંચિત હોય જેને પગલે હવે આંદોલનના માર્ગે ઉતર્યા છે, સ્થાનિકોએ આજે પોતાના ધંધા રોજગાર બંધ પાડી તંત્ર સામે આંદોલનનું રણસિંગુ ફુક્યું હતું, તેમજ તેઓની માંગણીઓ વહેલી તકે સંતોષવામાં આવે તેવી માંગ ઉચ્ચારી હતી.
સ્થાનિકોનું જણાવવું છે કે ગ્રામ પંચાયત તેમજ તાલુકા પંચાયત સહિત લાગતા વળગતા તંત્રમાં અવારનવાર રજૂઆતો કરી છે, તેઓનું જણાવવું છે કે ગાંધીબજાર અને જવાહર બજાર વિસ્તારમાં છેલ્લા કેટલાય વખતોથી રસ્તાની હાલત બદતર બની ચુકી છે, તેમજ ખુલ્લી ગટરોની સમસ્યાઓ પણ રહેલ છે, તંત્રના ધ્યાન પર બાબત લાવવા છતાં આજદિન સુધી આ સમસ્યાનું નિરાકરણ લવાયું નથી, અગાઉ પણ સ્થાનિકોએ જે તે વિભાગમાં ધસી જઈ ઉગ્ર રજુઆત કરી હતી છતાં નિદ્રામાં રહેલું નેત્રંગ પંથકનું તંત્ર તેઓની રજુઆતને સાંભળતું નથી અને તેઓની સમસ્યાનો અત્યાર સુધી અંત આવ્યો નથી જેથી આજે તમામ સ્થાનિકો આંદોલન કરી રહ્યા છે.
આજરોજ નેત્રંગના ગાંધીબજાર વિસ્તાર, જવાહર બજાર વિસ્તાર સહિત આસપાસના સ્થાનિકોએ મોટી સંખ્યામાં ભેગા મળી ભારે સુત્રોચાર કર્યા તેમજ ગ્રામ પંચાયત સુધી રેલી યોજી તેઓની આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉચ્ચારી તંત્રમાં રજૂઆત કરી હતી.