નેત્રંગ ટાઉનમાં અંબાજી માતાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે માતાજીની ભવ્ય શોભાયાત્રા ભક્તિમય માહોલમાં આનંદ ઉલ્લાસ સાથે નીકળતા મોટી સંખ્યામાં ભાવિક ભકતજનો યાત્રામાં જોડાયા હતા. નેત્રંગ ટાઉનનાં ગાંધી બજાર વિસ્તારમાં અમરાવતી નદીનાં કિનારે આવેલ અંબાજી માતાનાં મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા કરી બેસાડવામાં આવેલ માતાજીની મૂર્તિનો હાથ કોઈ કારણોસર ખંડિત થતા જલારામ ચેરી ટેબલ ટ્રસ્ટ તેમજ ભાવિક ભકતોનાં સહયોગથી માતાજીની મૂર્તિ લાવી ફરીથી પ્રાણ પ્રતિષ્ઠા કરવાનો નિર્ણય લેતા અંબાજી માતાની નવી મૂર્તિ લાવવામાં આવતા તેનો ત્રણ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા.28 મી જાન્યુઆરીથી લઈને 30 મી જાન્યુઆરી સુધીનો છે. આજના પ્રથમ દિવસે માતાજીની ભવ્ય નગરયાત્રા બગીમાં બેસાડીને ડી.જે. ના તાલે કાઢવામાં આવી હતી. યાત્રા ગાંધી બજારથી નીકળી જવાહર બજાર ચાર રસ્તા થઈ જીન બજારથી જલારામ ફળિયા વિસ્તારમાં ફરીને અંબાજી મંદિરે પહોંચી હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભકતજનો જોડાયા હતા. તા.30 મી જાન્યુઆરીના રોજ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનાં મુખ્ય યજમાન મહેશભાઇ સૂર્યકાંતભાઈ શાહ પરિવાર છે. માં અંબેની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાના ત્રણ દિવસ ચાલનારા આ કાર્યક્રમને લઈને ટાઉનભરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.
નેત્રંગમાં અંબે માં ની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી.
Advertisement