ભરૂચ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા ઉચ્ચ અધિકારીઓ તરફથી મળેલ સુચના અંતર્ગત નેત્રંગ પીએસઆઇ એન.જી.પાંચાણી પોલીસ ટીમ સાથે નેત્રંગ ડેડીયાપાડા રોડ પર થવા ચેક પોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતા અને ગુજરાત સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ઇ ગુજકોપ અંતર્ગત આપેલ મોબાઇલ પોકેટકોપ તેમજ ઇ ગુજકોપમાં સર્ચ કરતા હતા, તે દરમિયાન બાતમી મળી હતી કે નેત્રંગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના અંતર્ગતની ચોરીની મોટરસાયકલ લઇને એક ઇસમ ડેડીયાપાડા તરફથી આવે છે. ડેડીયાપાડા તરફથી શંકાસ્પદ મોટરસાયકલ આવતા તે મોટરસાયકલ બાતમી મુજબની હોઇ તેની તપાસ કરતા મોટરસાયકલ ચાલક કોઇ કાગળો રજુ કરી શકેલ નહિ. પોલીસ તપાસમાં આ ઇસમનુ નામ રાજેન્દ્ર ઉર્ફે પકો અભેસિંગભાઇ વસાવા રહે.દાભવણ તા.ડેડીયાપાડા જિ.નર્મદા હોવાની જાણ થઇ હતી. પોલીસની પુછપરછ દરમિયાન આ ઇસમ ભાંગી પડ્યો હતો અને મોટરસાયકલ ગત તા.૨૫ મીના રોજ નેત્રંગ સેવાસદનના કંપાઉન્ડમાંથી ચોરી હોવાની કબુલાત કરી હતી.
આ આરોપીને હસ્તગત કરીને તેની પુછપરછ કરતા તેણે અલગઅલગ વિસ્તારોમાંથી આશરે ૨૪ જેટલી મોટરસાયકલોની ચોરી કરીને જંગલ વિસ્તારમાં કોઇને જોવામાં ન આવે એ રીતે થોડાથોડા અંતરે છુપાવી રાખી હોવાનુ જણાવતા પોલીસે તેની કબુલાતના આધારે જંગલમાં સર્ચ ઓપરેશન કરીને વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ આઠ જેટલા ગુનાઓ હેઠળની ૨૪ મોટરસાયકલો કબજે લીધી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ