આદિવાસી વિસ્તારની જીવાદોરી સમાન બલદવા-પીંગોટ ડેમ ઓવરફ્લો થવાની શક્યતાઓ નહીંવત જણાતા ધરતીપુત્રોએ ચિંતિત જણાઇ રહ્યા છે.
પ્રાપ્ત માહિત મુજબ ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા વાલીયા, ઝઘડીયા અને નેત્રંગ તાલુકામાં વસવાટ કરતાં ખેડુતો અને ધરતીપુત્રોને વર્ષ દરમ્યાન સિંચાઈ-પીવા માટેનું શુધ્ધ પાણી મળી શકે તે માટે વર્ષો પહેલા ટોકરી નદી ઉપર બલદવા-પીંગોટ અને મધુવંતી નદી ઉપર ધોલી ડેમ બનાવવામાં આવ્યો હતો. દરવર્ષે ચોમાસાની સિઝનમાં વરસાદ થવાથી ત્રણેય ડેમ પાણીથી છલોછલ ભરાઇ છે, અને ઓવરફ્લો થવાથી ત્રણેય તાલુકાના ખેડુતો-ધરતીપુત્રોને આખું વર્ષ આસાનીથી પાણી મળવાથી પોતાનું જીવનધોરણ રાબેતા મુજબ મુજબ ચાલે છે. પરંતુ કોરોના વાયરસના કાળ બાદ કુદરતના કહેરથી ધરતીપુત્રોની હાલત દયનીય બની જવા પામી છે.
નેત્રંગ તાલુકામાં આ વર્ષે સામાન્ય કરતા ઓછો વરસાદ થયો છે. નદી-નાળા, તળાવ, ચેકડેમ અને તમામ જળાશયોમાં નવા વરસાદી પાણીના નીર આવ્યા હતા. ધોલી ડેમ ઓવરફ્લો થયો હતો ત્યારબાદ બલદવા-પીંગોટ ડેમ પણ ઓવરફ્લો થશે તેવી લાગી રહ્યુ હતું પરંતુ બંને ડેમના ઉપરવાસમાં નહીંવત વરસાદના કારણે હાલમાં બંને ડેમ ઓવરફ્લોથી થવાની શક્યતાઓ નહીંવત જણાઇ રહી છે. બલદવા ડેમ ઓવરફ્લો સપાટીથી ૦.૭૨ સેમી અને પીંગોટ ડેમ ૦.૧૨ સેમી દુર છે. મોસમ વિભાગે આ વર્ષે ચોમાસું વિદાય લઇ રહ્યું છે તેવી આગાહી કરતા સારો વરસાદ નહીં થાય તો બંને ડેમ ઓવરફ્લો થઇ શકશે નહીં તેવું જણાઇ આવે છે. જ્યારે ખેડુતોએ કાળીમજુરી કરીને ખેતરમાં સોયાબીન અને કપાસનો પાક કર્યો હતો. હાલમાં સોયાબીનનો પાક ખેતરમાં તૈયાર છે. ત્યારે વરસાદ થશે તો ખેતીમાં સોયાબીનનો પાક નિષ્ફળ જવાની સંભાવનાઓ નકારી શકાઇ તેમ નથી. આ બાબતે ધરતીપુત્રોમાં અસમંજસની સ્થિતિ ઉદભવી છે.
ઓવરફ્લોની સપાટી હાલની સપાટી
બલદવા ૧૪૧.૫૦ મીટર ૧૪૦.૭૮ મીટર
પીંગોટ ૧૩૯.૭૦ મીટર ૧૩૯.૫૮ મીટર
ધોલી ૧૩૬.૦૦ મીટર ૧૩૬.૦૫ મીટર