નેત્રંગ તાલુકાની જીવાદોરી સમાન ધોલી બાદ પીંગોટ ડેમ પણ ઓવરફ્લોની તૈયારીમાં જણાતા ધરતીપુત્રોમાં આનંદ વ્યાપી જવા માંડ્યો હતો.
પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તાલુકા સહિત આજુબાજુના વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી મેધરાજાએ મન મુકીને વરસી રહ્યા છે.નદી-નાળા,તળાવ,ચેકડેમ સહિત તમામ જળાશયો વરસાદી પાણીથી છલોછલ ભરાઇ ચુક્યા છે.મરણપથારીએ પડેલા શેરડી,કપાસ અને સોયાબીનના પાકને જીવનદાન મળ્યું હતું.જેમાં આદિવાસી વિસ્તારની જીવાદોરી સમાન બલદવા,પીંગોટ અને ધોલી ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ થવાથી ત્રણેય ડેમની પાણીની સપાટીમાં દિવસેને દિવસે ધરખમ વધારો થયો હતો.બલદવા ડેમના ઉપરવાસમાં ૩૭.૯૫ ઇંચ વરસાદ,ઓવરફ્લોથી ૧.૨૬ મીટર દુર,પીંગોટ ડેમના ઉપરવાસમાં ૩૫.૪૧ ઇંચ વરસાદ,ઓવરફ્લોથી ૦.૬૦ મીટર દુર અને ધોલી ડેમના ઉપરવાસમાં ૩૧.૮૩ ઇંચ વરસાદ થતાં ધોલી ડેમ સપાટીથી ૦.૧૦ સેમી ઓવરફ્લો થઇ રહ્યો છે.સ્વાભાવિક છે કે,આ વષઁ ચોમાસાની સિઝનમાં ત્રણેય ડેમમાંથી ધોલી ડેમ સૌ પ્રથમ ઓવરફ્લો થયો હતો.વરસાદી માહોલ જોતા પીંગોટ ડેમ પણ એક-બે દિવસની આસપાસ ઓવરફ્લો થવાની શક્યતાઓ જણાઈ રહી છે.