નેત્રંગ તાલુકામાં ચોમાસાની સિઝનનો સામાન્ય જ વરસાદ થયો છે. પરંતુ નેત્રંગ ગામને જોડતા ચારેય દિશાના રસ્તાની નિમૉણની કામગીરીમાં નકરો ભ્રષ્ટાચાર કરાયો છે. માર્ગ-મકાન વિભાગના અધિકારીઓની સાંઠગાંઠથી જવાબદાર કોન્ટ્રાક્ટરે હલકી કક્ષાના મટીરીયલનો ઉપયોગ કરીને રસ્તાના નિમૉણની કામગીરી કરાઇ હતી. જેનું વરસાદી પાણીમાં ભારે ધોવાણ થયું હતું.
નેત્રંગમાંથી અંબાજી-ઉમરગામ અને અંકલેશ્વર-બુરહાનપુર બે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે. રાત-દિવસ હજારોની સંખ્યામાં વાહનવ્યવહાર ધમધમે છે. સામાન્ય વરસાદી પાણીથી જ રસ્તા ઉપર એકથી બે ફુટ ઉંડા ખાડા પડી જવાથી રોજેરોજ ગમખ્વાર અકસ્માતની ઘટના બને છે. વાહનચાલકોની મામુલી ગફલતથી હાડકા ભાંગવાનો વારો આવ્યો છે. પરંતુ જવાબદાર માર્ગ-મકાન વિભાગ કુંભકર્ણની નિદ્રા અવસ્થામાં જણાઇ રહ્યું છે. પ્રાથમિક સમારકામની કામગીરી કરવામાં નહીં આવતા વાહનચાલકોમાં રોષ ભભુકી ઉઠ્યો છે. જાને મોટી હોનારત અને ગમખ્વાર અકસ્માતની ઘટનાની રાહ જોતી હોય તેવું જણાઇ રહ્યું છે. તાત્કાલિક ધોરણે રોડ-રસ્તા ઉપર સમારકામની કામગીરી હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.