કસ્તુરબા સેવાશ્રમ મરોલી સંચાલિત નેત્રંગ ખાતે આવેલ ચાસવડ આશ્રમ શાળામાં યુ.એસ.એ. માં રહેતા ભૂતપૂર્વ વિદ્યાર્થી અને વેપારીએ રૂપિયા એક કરોડ જેટલી રકમનું દાન આપતા તેમના હસ્તે ઓડિટોરીયમ તેમજ ભોજનાલયનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. કસ્તુરબા સેવાશ્રમ મરોલી દ્વારા ચાર આશ્રમ શાળાઓ ચાલે છે. જેમાં ભારતની સૌપ્રથમ આશ્રમશાળા ચાસવડ ખાતે શરૂ થઈ હતી. આ આશ્રમ શાળામાં વર્ષો પહેલા કંબોડિયા ગામના જયવંતભાઇ ભક્તે અભ્યાસ કર્યો હતો. જેમણે અમેરિકામાં હોટલ બિઝનેસ શરૂ કર્યો હતો. હાલ હોટલ વ્યવસાય તેમના સંતાનો સંભાળી રહ્યા છે. જયવંતભાઇ ભક્તે હોટલ વ્યવસાયમાંથી નિવૃત્તિ લીધી છે. તાજેતરમાં તેઓ ભારત આવતા તેમણે ચાસવડ આશ્રમશાળાની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે આશ્રમ શાળાના કેમ્પસમાં ઓડિટોરીયમ અને ભોજનાલય બનાવવા માટે રૂપિયા એક કરોડનું દાન આપવાની તૈયારી બતાવી હતી. જેના પગલે જયવંતભાઈ ભક્તના હસ્તે જ ઓડિટોરીયમ તેમજ ભોજનાલયનું ભૂમિપૂજન કરાવાયું હતું. ભૂમિપૂજન કાર્યક્રમમાં જયવંતભાઇ ભક્તના પત્નિ વર્ષાબેન ભક્ત, મૂળ બારડોલીના અને અમેરિકામાં સ્થાયી થયેલ શશીભાઈ પટેલ, આશ્રમ શાળાના મેનેજીંગ ટ્રસ્ટી ખુમાનસિંહ વાંસિયા, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ ડી.એન.ડી. ચાવડા, ચાસવડ ડેરીના ચેરમેન સન્મુખભાઇ ભક્ત તથા સહકારી આગેવાન મહેશભાઇ પટેલ તથા કસ્તુરબા સેવાશ્રમ ટ્રસ્ટીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટના મેેનજીંગ ટ્રસ્ટી ખુમાનસિંહ વાંસિયાએ કસ્તુરબા સેવાશ્રમના ઇતિહાસની ઝાંખી કરાવવા સાથે જયવંતભાઈ ભક્તના અભિગમને આવકાર્યો હતો. રૂપિયા એક કરોડનું દાન આપનાર જયવંતભાઇ ભક્તે પોતાના અભ્યાસકાળને યાદ કરી શાળાના વિદ્યાર્થીઓને શુભેચ્છા આપી હતી.
નેત્રંગ : અમેરિકા વસતા ભૂતપૂર્વ વિદ્યાર્થીએ રૂપિયા એક કરોડ દાન આપતા ચાસવડ આશ્રમ શાળામાં ઓડિટોરીયમ અને ભોજનાલયનું ભૂમિપૂજન કરવામાં આવ્યું.
Advertisement