કોરોના મહામારી દરમિયાન દરેક વસ્તુના ભાવમાં વધારો થયો છે ત્યારે એક નોકરી હોવી ખુબ જ આવશ્યક વસ્તુ બની છે. તેવામાં જો છેલ્લા બે મહિનાથી પગાર ન મળે તો પરિવારને મોતને ભેટવાના વારા આવે તેવી પરિસ્થિતિ ઊભી થાય છે.
નેત્રંગ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને સમગ્ર ભરૂચ જિલ્લામાં કર્મચારીઓનો બે મહિનાથી પગાર થયો નથી તે સહિત ત્રીજો મહિનો પણ પૂરો થવાને આરે છે છતાં પગાર આપવાની કોઈ પણ બાંહેધરી આપવામાં આવી રહી નથી. ત્યારે આજરોજ આરોગી કેન્દ્ર ખાતે ફરજ બજાવતા કેટલાક કર્મચારીઓએ મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી.
વારંવાર આર.ડી.ડી બરોડા ખાતે રજૂઆત સહિત ભરૂચ જિલ્લા કચેરીમાં પણ જાણ કરી છતાં પગાર આપવામાં આવતો નથી. આગળ તહેવાર આવે છે રક્ષાબંધન પણ પૂરી થઈ છે અને વધતી જતી મોંઘવારીમાં ઘર ચલાવવું પણ મુશ્કેલ થવા પામ્યું છે છતાં પણ આ અધિકારીઓનાં પેટનું પાણી નથી હાલતું અને એજન્સીને જાણ કરતાં તે લોકો પણ વાતને ધ્યાનમાં લેતા નથી અને તે લોકો વિરૂદ્ધ ફરિયાદ કરે તો નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપે છે. જે ઘણી નિંદનીય વાત છે. ઈમાનદારીથી ફરજ બજાવતા કર્મચારીઓને પોતાના ઘર ચલાવવાના હોવાથી તેમણે યોગ્ય વળતર મળવું જ જોઈએ.