ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાનાં વાંકોલ ગામે રહેતા દિનેશ વસાવાને ગામના ૧૦ જેટલા ઈસમોએ” તું બીજેપીનો એજન્ટ કેમ રહ્યો હતો ” તેમ કહીને ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપતા ૧૦ ઈસમો વિરુદ્ધ ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ અંગે મળતી વિગતો મુજબ નેત્રંગ તાલુકાનું વાંકોલ ગામ ઝઘડીયા તાલુકાના ઉમલ્લા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલું છે. વાંકોલના દિનેશ નરોત્તમભાઈ વસાવા હાલમાં યોજાઇ ગયેલ તાલુકા જિલ્લા પંચાયતની ચુંટણીમાં તાલુકા પંચાયતની ડેબાર બેઠકના ભાજપાના ઉમેદવારનો મત ગણતરી એજન્ટ બનેલ હતો. મત ગણતરી પૂરી થયા બાદ દિનેશ વસાવા તેના ઘરે આવ્યો હતો, ત્યારે સાંજના સમયે ગામમાં રહેતા દિપક રામસિંગ વસાવા તથા અન્ય નવ જેટલા ઈસમો તેના ઘરે આવ્યા હતા. તેઓએ કહ્યુ હતુ કે તું બીજેપીનો એજન્ટ કેમ બન્યો હતો ? એમ કહીને ગાળો બોલીને તેની સાથે ઝપાઝપી કરી હતી અને ઢીકાપાટુનો માર મારીને તેને નીચે પાડી દીધો હતો. તે દરમિયાન દિનેશની પત્નીએ ત્યાં આવીને વચ્ચે પડીને તેને છોડાવ્યો હતો. જતાં જતાં તે ઇસમો જણાવતા હતા કે તું તારા ઘરની બહાર નીકળ તને ખપાવી દઇશું, તને મારી નાખીશું. જેથી દિનેશ નરોત્તમભાઈ વસાવા રહે. વાંકોલ તા. નેત્રંગનાએ (૧) દિપક રામસિંગભાઈ વસાવા (૨) મનોજ રામસિંગભાઈ વસાવા (૩) રામસિંગ રતિલાલ ભાઈ વસાવા (૪) રમીલા રામસિંગ વસાવા (૫) જશવંત ચુનીલાલ વસાવા (૬) રામા ચંપકભાઈ વસાવા (૭) રામલાલ બોકડિયા વસાવા (૮) કમલેશ ગોરધનભાઈ વસાવા (સરપંચ) (૯) હરેશ શંકરભાઈ વસાવા (૧૦) જયરામ જયસિંગ ભાઈ વસાવા તમામ રહે. વાંકોલ તા.નેત્રંગ જીલ્લો ભરૂચ વિરુદ્ધ ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પોલીસ મથકે ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ