ભરૂચ જિલ્લાના નેત્રંગના ગાંધી બજાર વિસ્તારમાં આવેલ તાલુકા કન્યા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકાબેન દ્વારા તૈયાર કરવામાં આવેલ કૃતિ જિલ્લા તેમજ રાજય કક્ષાએ પસંદગી પામીને રાષ્ટ્રીય માર્ગદર્શિકા માટે પસંદગી પામી હતી.
ઉલ્લેખનીય છે કે નાના બાળકોમાં અભ્યાસ પ્રત્યેની રૂચીમાં વધારો થાય તે માટે શાળાઓમાં અવારનવાર વિવિધ રચનાત્મક કાર્યક્રમો યોજાય છે. શિક્ષણની શરૂઆત પ્રાથમિક શાળાથી થાય છે, ત્યારે શિક્ષણની સાથે સાથે યોજાતા રચનાત્મક કાર્યક્રમોથી બાળકોમાં રહેલી છુપી શક્તિઓને વેગ મળે છે. ૩૩જિલ્લાઓની પ્રાથમિક શાળાઓની કુલ ૮૨૫ જેટલી કૃતિઓ રાજ્યકક્ષાએ રજુ કરવામાં આવી હતી. જેમાં નેત્રંગની પ્રાથમિક કન્યા શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા સુધાબેન મહિડાએ રજુ કરેલ કૃતિ રાષ્ટ્રીય માર્ગદર્શિકા માટે પસંદગી પામી હતી. પ્રાણીઓનાં નામ, પક્ષીઓનાં નામ, ફળનાં નામ, શાકભાજીના નામો બાળકો આસાનીથી સમજી શકે તેવી જાદુઇ કૃતિ આ શિક્ષિકા દ્વારા બનાવવામાં આવી છે. બાળકોને ગમ્મત સાથે જ્ઞાન મળે અને અભ્યાસમાં ઉપયોગી થાય, તેવા હેતુથી બનાવવામાં આવેલ આ કૃતિની રાષ્ટ્રીય માર્ગદર્શિકા માટે પસંદગી થતાં શાળા પરિવારે કૃતિ બનાવનાર શિક્ષિકાને અભિનંદન આપ્યા હતા.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ