નવરચિત નેત્રંગ તાલુકા પંચાયત કચેરી ખાતે કચેરી શરૂ થયાના સમયથી જ CCTV કેમેરા ફિટ કરવામાં આવ્યા ન હોવાને કારણે પ્રજામાં અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. કેમેરા નહિ હોવાના કારણે ફરજ બજાવતા કર્મચારીઓ પણ આયારામ ગયારામની નીતિનો લાભ ઉઠાવતા હોવાનું તાલુકા પંચાયત કચેરી ખાતે કામ અર્થે આવતી ૭૮ ગામની આમ જનતામાં ચર્ચાઈ રહ્યું છે.
બીજી તરફ ડીઝીટલ ઇન્ડીયામાં સરકાર દ્વારા ખાનગી તેમજ સરકારી કચેરીઓમાં CCTV રાખવા બાબતે આગ્રહ રાખે છે. તો સ્થાનિક સ્વરાજની તાલુકાની મુખ્ય તાલુકા પંચાયત કચેરી ખાતે CCTV કેમેરા મુકવા બાબતે જવાબદાર અધિકારીઓ કેમ ધ્યાન આપતા નથી તેમ પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે.
નવરચિત નેત્રંગ તાલુકાની રચના બાદ તાલુકાની ૩૨ ગ્રામપંચાયતોની મુખ્ય તાલુકા પંચાયત કચેરી તાલુકા મથક ખાતે પોતાના અલગ આલીશાન આધુનિક સુવિધા ધરાવતા બિલ્ડીંગમાં છેલ્લા ત્રણ-ચાર વર્ષથી ધમધમી રહી છે.
સરકારનોં તેમજ ગૃહવિભાગનો આદેશ કે આગ્રહને લઈને તમામ સરકારી ખાનગી કચેરીમાં, બેંકો, શાળાઓ, જાહેર રસ્તાઓ પર CCTV કેમેરા લગાવેલા જોવા મળી રહ્યા છે. નેત્રંગ ગામમાં પણ તાલુકા સેવા સદન, તાલુકા પોલીસ સ્ટેશન તમામ બેંકો, પ્રેટોલ પંપ, શાળાઓ તેમજ મોટી મોટી વેપારીઓની દુકાનો પર પણ CCTV કેમેરા લાગેલ જોવા મળી રહ્યા છે.
તેવા સંજોગોમાં નેત્રંગ તાલુકા પંચાયત કચેરી શરૂ થયાના પ્રથમ દિવસથી જ આ કચેરી ખાતે CCTV કેમેરા લગાવવામાં આવ્યા નથી. તમામ જગ્યાઓ પર CCTV કેમેરા હોઈતો તાલુકાની મુખ્ય તાલુકા પંચાયત કચેરી ખાતે જ CCTV આજદિન સુધી ફિટ નહિ કરવાનું કારણ શું ? જવાબદાર અધિકારીઓ, પદાધિકારીઓ આ કચેરી ખાતે CCTV કેમેરા મુકાવે તો વાંધો શું કેમેરાને લઈને અનેક જાતના ફાયદાઓ જોવા મળી રહેશે. જેમ કે તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓ પોતાની ફરજ પ્રમાણે સમયસર આવે છે કે નહીં તેની નોંધ મળી રહે. તાલુકા પંચાયત ખાતે વિવિધ યોજનાઓને લગતી રાખવામાં આવતી મિટિંગોમાં અધિકારીઓ, કર્મચારીઓ અને પદાધિકારીઓ કેટલા હાજર રહ્યા હોય તેની પણ નોંધ મળી રહે. ૭૮ ગમની પ્રજા કામો માટે રોજે રોજ આવે છે. તેના તેમજ કામોને લઈને આવતા કોન્ટ્રાકટરો વગેરેની માહિતી મળી શકે છે.