હાલમાં ચાલી રહેલ કોરોના વાયરસની મહામારીનું વધુમાં વધુ સંક્રમણ થઈ રહ્યું છે. જેને કારણે સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ જરૂરી સુચનાઓ ગામના દરેક નાગરિક સુધી પહોંચે અને તેનું ફરજીયાત પાલન થાય તે હેતુસર તા.૧૦ મી જુલાઈના રોજ નેત્રંગ ગ્રામપંચાયત દ્વારા “કોરોના જાગૃતિ કમીટી” ની રચના કરવામાં આવેલ છે. “કોરોના જાગૃતિ કમીટી” માટે આજ રોજ મિટિંગનું આયોજન સોશિયલ ડિસ્ટન્સીગ સાથે કરવામાં આવ્યું હતું. “કોરોના જાગૃતિ કમીટી” ના અધ્યક્ષ સ્થાને સરપંચ શ્રી સીમાબેન બાલુભાઈ વસાવા, સભ્ય સચિવ તરિકે બે તલાટી કમમંત્રિ તેમજ ગ્રામપંચાયત ચૂંટાયેલા સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. તેમજ બીજા સભ્યો તરીકે ગામની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકો,તમામ આંગણવાડીના વર્કરો તેમજ આશાવર્કર બહેનો તેમજ અન્ય ગામના વડીલ આગેવાનોની કમિટીમાં નિમણૂક કરી “કોરોના જાગૃતિ કમીટી”ની રચના કરવામાં આવી છે.
આ કમિટી નીચે મુજબનાં ૧૨ મુદ્દાઓ પર ગામવાસીઓ ને જાગૃત કરશે.
(૧) કોરોના વાયરસની મહામારીથી બચવા માટે ગામમાં જાગૃતિ અંગેના પગલા લેવાના રહેશે.
(૨) ગામના દરેક નાગરિક માસ્ક પહેરીને ફરે તેની તકેદારી રાખવાની રહેશે.જો કોઈ નાગરીક માસ્ક પહેર્યા વગર બહાર નીકળે તો તેમની પાસેથી દંડ વસુલવાનો રહેશે.
(૩) ગામના દરેક નાગરિક વપરાયેલ માસ્કનો બંધ કચરાપેટીમાં નાખી નિકાલ કરે તે અંગેની તકેદારી રાખવાની રહેશે.
(૪) રાજય સરકાર દ્વારા વખતોવખત બહાર પાડેલ સોશીયલ ડિસ્ટન્સીગ જાળવવા અંગેની સમજુતી ગામના નાગરિકોને પૂરી પાડવાની રહેશે અને જો કોઈ જાહેર સ્થળ ઉપર સોશીયલ ડિસ્ટન્સીગનું પાલન થતુ ન હોય તો દંડ વસુલવાનો રહેશે.
(૫) ગામમાં નિયમિત પણે સેનિટાઈઝરનો છંટકાવ કરવાનો રહેશે.
(૬) ગામમાં સ્વચ્છતા અંગેની તકેદારી રાખવાની રહેશે.
(૭) ગામના દરેક નાગરિક વારંવાર સાબુથી હાથ ધોવે તે રીતે ટેવ પાડવાની રહેશે.
(૮)ગામના જાહેર સ્થળો પર જાહેરમાં થુંકવા પર પ્રતિબંધ રાખવાનો રહેશે અને જો કોઈ નાગરીક દ્વારા જાહેર સ્થળો પર થુંકવામાં આવે તો તેમની પાસેથી દંડ વસુલવાનો રહેશે.
(૯) ગામમાં બહારથી આવતી વ્યક્તિઓને સરકારશ્રીની ગાઈડલાઈન્સ મુજબ ૧૪ દિવસ માટે કવોરન્ટાઇન હેઠળ રાખવાના રહેશે અને તે અંગેની જાણ નજીકના પ્રા.આ.કેન્દ્રના મેડીકલ ઓફિસરને અને તાલુકા હેલ્થ ઓફિસરને કરવાની રહેશે .
(૧૦) ગામનાં કોઈપણ નાગરિકને કોરોનાના લક્ષણો દેખાય અથવા માલુમ પડે તો સંબધિત તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસર અથવા નજીકના પ્રા.આ.કેન્દ્રના મેડીકલ ઓફિસરને તાત્કાલિક જાણ કરવાની રહેશે.
(૧૧) કોરોના વાયરસની મહામારીથી બચવા માટે ગામમાં આયુર્વેદિક ઉકાળાના વિતરણની વ્યવસ્થા કરવાની રહેશે.
(૧૨) ઉપરોકત કોરોના જાગૃતિ કમીટી દ્વારા દર અઠવાડીયામાં એક વાર કમીટી મીટીંગ બોલાવવાની રહેશે અને તે મીટીંગમાં લેવામાં આવેલ પગલાંની વિગતો સંબંધિત તાલુકા વિકાસ અધિકારીશ્રીને મોકલવાની રહેશે.