કોરોના મહામારીમાં અનેક તહેવારો પર નિયંત્રણો લાદવામાં આવ્યા હતા પરંતુ હવે કોરોના હળવો થતાં રાજ્યમાં તમામ છૂટછાટો આપવામાં આવી છે. ત્યારે નવસારીમાં આવેલા 400 વર્ષ જૂના વિરવાડી હનુમાન મંદિરમાં હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ ભાવિક ભક્તો દાદાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. વિરવાડી હનુમાન મંદિરમાં 40 વર્ષ બાદ દાદાને સોનાના વરખથી શણગાર કરવામાં આવ્યો હતો, જેને જોવા દૂર દૂરથી લોકો આવ્યા હતા. વિરવાડી હનુમાન મંદિર દક્ષિણ ગુજરાતના ભક્તો માટે એક અનેરો મહિમા ધરાવે છે. દક્ષિણ ગુજરાતનું સાળંગપુર કહેવાતું વિરવાડી હનુમાન મંદિર ભાવિક ભક્તો માટે બે વર્ષ બાદ ખુલ્લું મુકાતાં ભારે ઉત્સાહ ભર વાતાવરણ વચ્ચે ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી.
નવસારીમાં આવેલા વીરવાડી હનુમાન મંદિરને બીજું સાળંગપુર કહેવામાં આવે છે. આ મંદિરનો ઇતિહાસ 400 વર્ષ જૂનો છે. વીરવાડી હનુમાન દાદા અહીં આવતા દરેક ભક્તોના મનોરથ પુરા કરે છે. અહીં ભક્તો પોતાના અલગ અલગ મનોરથ લઈને આવે છે. આ મંદિરની માન્યતા છે કે ભક્તો અહીં રડતા રડતા આવે છે અને હસતા હસતા અહીંથી ઘરે પાછા જાય છે. આજે હનુમાન જયંતિના દિવસે વિરવાડી હનુમાન મંદિરમાં અંદાજીત 35 થી 40 હજાર લોકો આવવાની સંભાવના છે. જેને લઇને મંદિર પ્રશાસને પણ તમામ ભક્તો માટે અનેક વ્યવસ્થાઓ કરી છે, જેથી કરીને દાદાના દર્શન તમામ ભક્તોને થઈ શકે.
પરિમલ મકવાણા નવસારી