સૌજન્ય/નવસારીમાં લુન્સીકૂઈ મેદાન સામે બાબા આંબેડકરની પ્રતિમા પાસે ભાજપ સરકારનો વધતો જતો ભ્રષ્ટાચાર અને લોકશાહીનું ખૂનના વિરોધમાં નવસારી જિલ્લા યુવક કોંગ્રેસ સમિતિ દ્વારા જાહેર કરવામાં આવેલા પૂતળાદહનના કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો. જોકે જાહેરાતને પગલે ઘટનાસ્થળે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
ભાજપ સરકારનો વધતો ભ્રષ્ટાચાર અને લોકશાહીનું ખૂન જેવા સંદર્ભને લઈને વિરોધ પ્રદર્શન કરવા માટે નવસારી જિલ્લા યુવક કોંગ્રેસ ઉપપ્રમુખ પિયુષભાઈ ઢીમ્મર તથા નવસારી વિધાનસભા યુવક કોંગ્રેસ મેહુલભાઈ ટેલરની આગેવાનીમાં નવસારી લુન્સીકૂઈ મેદાન સામે આવેલી ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સામે બપોરે 12 કલાકે પૂતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
આ બાબતની જાણ થતા જ વહેલી સવારથી જ ઘટનાસ્થળે પોલીસ કાફલો નવસારી પોલીસ મથકના પીઆઈ સગરે ગોઠવી દીધો હતો. જેના પગલે આજે શનિવારે પૂતળા દહન કાર્યક્રમ સફળ રહ્યો ન હતો અને ફિયાસ્કો થયો હતો. ઘટનાસ્થળે મોટાભાગના કોંગ્રેસીઓ ફરક્યા સુદ્ધાં ન હતા. જેના પગલે માત્ર પોલીસ કાફલો જ દેખાયો હતો અને આખા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો.
નવસારીમાં લુન્સીકુઈ ખાતે કોંગ્રેસના કાર્યક્રમની જાહેરાતના પગલે પોલીસ ખડકી દેવામાં આવી હતી પરંતુ કોગ્રેસીઓ દેખાયા ન હતા.
જાહેરનામુ હોવાનું માલુમ પડતા કાર્યક્રમ મોકુફ રાખ્યો
નવસારીમાં પૂતળા દહન કાર્યક્રમનું આયોજન હતું પરંતુ હાલ જાહેરનામુ અમલમાં છે તે અંગેનો ખ્યાલ ન હતો. પોલીસ મથકમાંથી પરવાનગી મેળવવા જતા જાહેરનામુ અંગેની માહિતી મળી હતી. જેના પગલે આ પૂતળા દહન કાર્યક્રમ મોકૂફ રખાયો હતો. પિયુષભાઈ ઢીમ્મર, ઉપપ્રમુખ, જિલ્લા યુવક કોંગ્રેસ
નવસારીના વેસ્મા પંથકમાં પણ પ્લાનિંગ હતું
નવસારી શહેરમાં લુન્સીકૂઈ ખાતે ચૂસ્ત પોલીસ બંદોબસ્તને લઈને પૂતળા દહન કાર્યક્રમ સંભવ થવાની શક્યતા નહીંવત જણાતા કોંગ્રેસી કાર્યકરોએ વેસ્મા પંથકમાં આ કાર્યક્રમ પૂર્ણ કરવાની તૈયારીમાં હતા પરંતુ વેસ્મા પોલીસને પણ તેની જાણકારી મળી જતા પેટ્રોલિંગ ચૂસ્ત બનાવતા આખરે કોંગ્રેસનું પૂતળા દહન કાર્યક્રમ ઠેરનો ઠેર રહ્યો હતો.
કાબેલ નેતાગીરી અને આયોજનનો અભાવ જણાયો, શહેર પ્રમુખની જગ્યા ખાલી
નવસારીમાં હાલ કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરવિગ્રહ અવારનવાર કાર્યક્રમમાં બહાર દેખાતો રહ્યો છે. ચાર માસ પહેલા શહેર કોંગ્રેસ પ્રમુખ દિપકભાઈ બારોટે રાજીનામુ આપી દીધા બાદ તેમના સ્થાન ઉપર હજી સુધી કોઈની નિમણૂક કરાઈ નથી. જેને લઈ હાલ કોંગ્રેસની સ્થિતિ ડામાડોળ થઈ છે. કાબેલ નેતાગીરીનો અને આયોજનમાં પરિપકવતાનો અભાવ આજે સ્પષ્ટ જણાયો હતો.