નવસારી પાલિકાની શુક્રવારે મળેલી સામાન્ય સભામાં કોંગ્રેસી સભ્યએ ઉચ્ચારેલા ‘ચાલ, ચારિત્ર્ય અને ચહેરો’ શબ્દને લઈને તોફાની બનેલી સભાને 124 કામો ચર્ચા વિના જ વધુ મતોથી પસાર કરી ભાજપીઓએ ઉતાવળે ‘જન ગન મન’ ગાઈ આટોપી લીધી હતી.
નવસારી નગરપાલિકાની સામાન્ય સભા આજે શુક્રવારે પ્રમુખ કાંતિભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી. સભાના એજન્ડા ઉપર 87 કામો અને વધારાના 52 કામો મળી કુલ 139 કામો લેવામાં આવ્યા હતા. એજન્ડા ઉપરના પ્રથમ 15 કામ ઉપર તો બરાબર ચર્ચા થઈ હતી. સૂચનો આવ્યા-અપાયા હતા. ત્યારબાદ બે કામો ગોલ્ડમેડલ મેળવનાર સરિતા ગાયકવાડને પાલિકાએ કરેલી 25 હજારની સહાય અને તેના માટે કરેલ સમારંભ માટે કરેલા 1 લાખના ખર્ચનું હતું. આ કામ ઉપરની ચર્ચા કરતા કોંગ્રેસી કાઉન્સિલર ધવલ દેસાઈએ કહ્યું કે આ બે કામો જોતા તેમાં તમારો ‘ચાલ, ચારિત્ર્ય અને ચહેરો’ ખુલ્લો પડે છે. ‘ચાલ ચારિત્ર્ય’ની વાત કરતા જ ભાજપી કાઉન્સિલરો ઉત્તેજીત થઈ ગયા હતા. મહત્તમ ભાજપી સભ્યોએ ઉભા થઈ ધવલ દેસાઈના ‘ચાલ ચારિત્ર્ય’ના ઉલ્લેખ સામે ભારે વિરોધ કર્યો હતો. સામે કોંગ્રેસી સભ્યોએ પણ ખુલાસો કરવાનો પ્રયત્ન કર્યો હતો. લગભગ પાંચથી દસ મિનિટ સભામાં આ મુદ્દે હોહા, બબાલ થયા બાદ શાસક પક્ષ ભાજપના કાઉન્સિલરો, પ્રમુખ વગેરેએ રાષ્ટ્રગીત ‘જન મન ગન’ ગાવાનું શરૂ કરી પુરું કર્યા બાદ સભા સમાપ્ત કરી દીધી હતી. કોંગ્રેસના કાઉન્સિલરો જોતા જ રહી ગયા હતા. સભા પૂર્ણ થયા બાદ સભાખંડમાં કોંગ્રેસી કાઉન્સિલરોએ ભાજપની ઉતાવળે સભા આટોપી લેવાની નીતિનો વિરોધ કરી ભાજપની મોટા અવાજે ‘હાય હાય’ બોલાવી હતી. આમ કુલ 139 કામોમાંથી માત્ર 124 કામોને ચર્ચા વિના જ વધુ મતોથી પસાર કરી દેવામાં આવ્યા હતા. શુક્રવારની સભામાં વિપક્ષી નેતાપદે પ્રથમવાર અંજુમ શેખે કોંગ્રેસનું સુકાન સંભાળ્યું હતું. સભામાં પ્રેમચંદ લાલવાણી ઉપરાંત કાલુભાઈ, જયંતિ ગોપાણી, છાયા દેસાઈ, ઈકબાલ ઉસ્માની, પિયુષ ઢીમ્મર, મેહુલ ટેલર વગેરે પણ ભાગ લીધો હતો.
ચાલ, ચરિત્ર અંગે ભાજપ કોંગ્રેસ સામસામે…
‘ચરિત્ર’ અંગે મારા ઉપર આક્ષેપ થયો છે. મારા આટલા વર્ષના કાર્યકાળમાં મારા ચારિત્ર્ય ઉપર કોઈએ આક્ષેપ કર્યો નથી. બીજુ કે કોંગ્રેસ કેવો મુદ્દો ઉઠાવે છે. આપણી દીકરી કે જેણે દેશ-વિદેશમાં નામ કાઢ્યું એ સરિતાબેનને સહાયનો મુદ્દો ઉઠાવાય એ કેટલો યોગ્ય છે. પ્રેમચંદ લાલવાણી , ભાજપ
આમને સામને
કોઈ ઉપર વ્યક્તિગત આક્ષેપ કર્યો ન હતો. પ્રેમભાઈ પર નહીં હું એમ કહેવા માંગતો હતો કે સરિતાબેનને 25 હજારની સહાય કરવા સમારંભનો ખર્ચ 1 લાખ કરે તેમાં ભાજપની નીતિનો ચાલ, ચારિત્ર્ય, ચહેરો ખુલ્લો પડે છે. સમારંભ ખર્ચ કરતા 1 લાખ આદિવાસી દીકરીને વધુ સહાય કરવી જોઈતી હતી. ધવલ દેસાઈ , કોંગ્રેસ
નવસારી પાલિકાની સભામાં ચાલ ચરિત્ર શબ્દથી હંગામો સર્જાયો હતો.
ચારેક સભાથી મહત્તમ કામો ચર્ચા વિના જ મંજૂર
નવસારી પાલિકામાં છેલ્લી ચારેક સભા મહત્તમ કામો ચર્ચા કર્યા વિના જ એક યા બીજા કારણે શાસક ભાજપીઓ આટોપી લેતા જોવા મળે છે. જોકે આ પ્રશ્ને બંને પક્ષોની પોતાની દલીલો હોય છે પરંતુ અહીં પ્રશ્ન એ છે કે પાલિકામાં તમામ કામો ઉપર સભામાં તંદુરસ્ત ચર્ચા થશે ખરી ? એક વાત તો સાચી છે, દોષ જેનો હોય તે વિકાસના કામો ચર્ચા વિના પસાર થાય તેમાં લોકશાહીનું ગળુ જ ટૂંપાઈ છે!!!
ચર્ચા વિના કામો મંજૂર કરતા આવેદન અપાયું
ફરીવાર મોટાભાગના કામો ચર્ચા વિના પસાર કરતા કોંગ્રેસ પક્ષે સભા બાદ પાલિકા પ્રમુખને લેખિત આવેદન આપ્યું હતું. જેમાં કોંગ્રેસે ચર્ચા વિના કામો મંજૂર કરવાના સિલસિલાને વખોડી તમામ 139 કામોમાં વિરોધ દર્શાવ્યો હતો…સૌજન્ય